લંડનઃ રિપબ્લિક ઓફ યુગાન્ડાની 61મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠ નિમિત્તે પર્લ ઓફ આફ્રિકાના સમૃદ્ધ ઈતિહાસ, સાંસ્કૃતિક વૈવિધ્ય, રાષ્ટ્રપ્રેમની ભાવના અને સ્થિતિસ્થાપકતાનું સ્મરણ કરવામાં આવ્યું હતું. યુગાન્ડાવાસીઓને તેમના વતનમાં રોકાણ કરવા, સહકાર સાધવા તેમજ ઐક્ય અને પ્રગતિ માટે સંપનીને કામ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર અને આયર્લેન્ડ માટે એમ્બેસેડર નિમિષા જયંત માધવાણીએ મુંબઈ અને એન્ટેબી વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરાયાની ઘોષણા કરી હતી. હાઈ કમિશનર નિમિષા માધવાણીએ 12 ઓક્ટોબર 2023ના દિવસે IMO બિલ્ડિંગ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. યુગાન્ડન કોમ્યુનિટી, એમ્બેસીના અધિકારીઓ અને વિકારના ભાગીદારોએ રિસેપ્શનને જીવંત બનાવ્યું હતું.
યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા જયંત માધવાણીએ ઓડિયન્સને સંબોધન કરી તેમની દેશભક્તિને બિરદાવી હતી અને યુગાન્ડાના વિકાસમાં ડાયસ્પોરાની મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે યુગાન્ડનોને તેમના વતનમાં રોકામ કરવા, સહકાર આપવા તેમજ એકતા અને સમૃદ્ધિ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ પ્રેસિડેન્ટ મુસેવેની ગત 36 વર્ષથી હિમાયત કરી રહ્યા છે કે યુગાન્ડા સલામત ઈન્વેસ્ટમેન્ટ અને ટુરિઝમ માટે મૈત્રીપૂર્ણ સ્થળ છે. પ્રગતિશીલ, સુંદર અને સાંતિપૂર્ણ દેશ તરીકે યુગાન્ડાએ તેની ગર્ભિત શક્તિઓ દર્શાવી છે અને પ્રેસિડેન્ટ મુસેવેનીની દૂરદર્શી નેતાગીરી હેઠળ રિપબ્લિક ઓફ યુગાન્ડા માટે પુનરુત્થાન થયું છે તે માટે યુગાન્ડનોને ગૌરવ છે.’
હાઈ કમિશનર માધવાણીએ જણાવ્યું હતું કે,‘યુગાન્ડાની સ્વતંત્રતાના આ વર્ષનું ફોકસ એકસંપ અને પ્રગતિશીલ રાષ્ટ્રની જાળવણીનું છે. યુગાન્ડા ફૂટબોલ અને ગોલ્ફ સહિત આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટુરિઝમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયા સંયુક્તપણે 2027માં આફ્રિકા કપ ઓફ નેશન્સનું આયોજન કરી રહ્યા છે. ભારત અને યુગાન્ડા 50 કરતાં વધુ વર્ષમાં પહેલી વખત યુગાન્ડા એરલાઈન્સ દ્વારા નોન-સ્ટોપ હવાઈસેવાથી જોડાઈ રહ્યા છે. યુગાન્ડા એરલાઈન્સ ભારતના મુંબઈ અને યુગાન્ડાના એન્ટેબી વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત ડાયરેક્ટ ફ્લાઈટ ઓપરેટ કરશે. યુગાન્ડામાં 45000 NRI-એશિયનો છે. અમે એન્ટેબીથી લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ માટે પણ આશાવાદી છીએ.
ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસમાં આફ્રિકા અને અમેરિકાઝ માટે ડાયરેક્ટર જનરલ હેરિયેટ મેથ્યુઝે જણાવ્યું હતું કે, ‘નામદાર કિંગે જણાવ્યું છે તેમ યુગાન્ડા અભૂતપૂર્વ સૌંદર્ય અને અમર્યાદિત આતિથ્યનો દેશ છે. યુકે અને યુગાન્ડા વચ્ચેની ભાગીદારી દીર્ઘકાલીન અને મહત્ત્વપૂર્ણ છે. અમે ઘણી એકસમાન મહેચ્છાઓના સહભાગી છીએ અને વિવિધ મુદ્દાઓ પર કામ કરીએ છીએ.’
યુગાન્ડાના પ્રેસિડેન્ટના શાંતિ અને સુરક્ષા માટેના વિશેષ દૂત અને યુગાન્ડાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર અમામા મ્બાબાઝીએ જણાવ્યું હતું કે,‘ગત ત્રણ દાયકા દરમિયાન શાંતિ અને સ્થિરતાની પશ્ચાદભૂમાં યુગાન્ડા સરકાર દ્વારા નક્કર મેક્રોઈકોનોમિક નીતિઓના પરિણામે, યુપગાન્ડાનું અર્થતંત્ર ગત 10 વર્ષમાં સરેરાશ 6 ટકાના ધોરણે વૃદ્ધિ પામી રહ્યું છે.’ વિરેન્દ્ર શર્મા MP, બાંગલાદેશના યુકેસ્થિત હાઈ કમિશનર સઈદા મુના તસનીમ, હેરોના મેયર રામજી ચૌહાણ, ઈલિંગના મેયર હિતેશ ટેઈલર, લેસ્ટરમાં યુગાન્ડાના માનદ કોન્સલ જાફર કપાસી સહિતના અગ્રણી મહેમાનો આ રિસેપ્શનમાં ઉપસ્થિત હતાં.