યુરોપમાં કેટલાક લોકોએ ૧૦૦ ચો. મીટરના જમીનના એક ટુકડા પર એક નવો દેશ બનાવ્યો છે. સ્લોવેનિયા અને ક્રોએશિયાની સીમા પર એક સ્વયંભૂ દેશ બનાવીને આ લોકોએ તેને ‘કિંગડમ ઓફ એન્કલાવા’ નું નામ આપ્યું છે. ગયા સપ્તાહે ૮૦૦ એન્કલાવાના નાગરિકોએ વર્ચ્યૂઅલ ચૂંટણીમાં મત આપ્યા અને પ્રધાનોની ચૂંટણી પણ થઈ હતી. આ કારનામું કરનારા શખસનું નામ પ્યોત્ર પારઝેકિવીઝ છે. તાજેતરમાં જ પ્યોત્ર અને તેમના કેટલાક મિત્રોને સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું સ્લોવેનિયાના મેટલિકા શહેરની પાસે અને ક્રોએશિયાની રાજધાની ગ્રેપથી લગભગ ૫૦ કિલોમીટર દૂર એક એવી જગ્યા છે જે જેની પર કોઈનો અધિકાર નથી. હકીકતમાં ૧૯૯૧માં યુગોસ્લાવિયાના ભાગલા પડયા પછી સાત દેશો બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સીમાક્ષેત્રો વિવાદિત હતાં અને તેમને ‘નો મેન્સ લેન્ડ’ જાહેર કરવામાં આવ્યા હતા. પ્યોત્ર અને તેના મિત્રોએ આ જગ્યા પર એક જુદો દેશ બનાવવાનો નિર્ણય કર્યો. પ્યોત્રના જણાવ્યા પ્રમાણે આ દેશના દરવાજા ‘દુનિયાના નાગરિકો’ માટે હંમેશા ખુલ્લા છે. તેમણે કહ્યું, ‘અમારો ઉદ્દેશ એક એવો દેશ બનાવવાનો છે જેમાં રંગ, જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા જેવા કોઈ ભેદભાવ ન હોય.’