મોસ્કો: યુક્રેન પર હુમલો કર્યા બાદ અનેક સૈનિકો ગુમાવનાર રશિયા હાલ ભાડૂતી સૈનિકોના સહારે યુદ્ધ લડી રહ્યું છે. અનેક દેશોમાં રશિયન એજન્ટો સક્રિય થયાં છે. આ એજન્ટો યુવાનોને સારી નોકરી અને લાઈફસ્ટાઈલની લાલચ આપીને તેમને ફસાવી રહ્યાં છે. નેપાળમાં આ માટે સોશિયલ મીડિયા સાઈટ ટિકટોકનો વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. તો ભારતમાં પણ રશિયન એજન્ટો સક્રિય થયા છે. હાલમાં હરિયાણાના રહેવાસી બે ભાઈઓને રશિયન આર્મીમાં ભરતીના બહાને ઠગવાનો કિસ્સો સામે આવ્યો છે.
હરિયાણાના બે ભાઈઓ મુકેશ અને સનીએ દાવો કર્યો છે કે, તેમના જેવા 200 થી વધારે લોકોને રશિયા અને બેલારુસની સરહદ પર રશિયન સેના શિબિરમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ લોકોમાંથી મોટા ભાગના લોકો દક્ષિણ એશિયાના રહેવાસી છે. તેમને રશિયન પત્ની, વર્ક પરમિટ અને રશિયન પાસપોર્ટની લાલચ આપીને લાવવામાં આવ્યા છે.
રશિયાની આર્મી તેમને યોગ્ય તાલીમ આપ્યા વિના યુદ્ધ મોરચે ધકેલી રહી છે. એક રિપોર્ટ મુજબ, હરિયાણાના બંને ભાઈઓએ સેનામાં જોડાવવાનો ઈનકાર કર્યો ત્યારે રશિયામાં ગેરકાયદે પ્રવેશનો કેસ નોંધીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. હરિયાણાના બંને ભાઈઓએ આપવીતી જણાવતા કહ્યું કે, એજન્ટો તેમને ભૂખ્યાં અને તરસ્યા રાખીને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી રહ્યાં હતાં.
મોસ્કોના એક વકીલે તેમને જેલમાંથી છોડાવવામાં મદદ કરી હતી. છેવટે આ વકીલે પણ તેમની પાસેથી રૂપિયા 6 લાખ ખંખેરી લીધા હતાં. હરિયાણાના બંધુઓના જણાવ્યા અનુસાર, તેમની જેમ જ રશિયન સેનામાં સામેલ થવાનો ઈનકાર કરનાર પંજાબના ભાઈઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય હરિયાણાના કરનાલના રહેવાસી કેટલાક લોકોને યુક્રેન સરહદ પર તેનાત કરવામાં આવ્યાં છે.