નવી દિલ્હી: રશિયાના કદાવર નેતા અને હાલના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં સંપન્ન થયેલી દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે બહુમતથી ફરી ચૂંટાઈ આવ્યા છે. પુતિન પાંચમી વાર રાષ્ટ્રપતિપદે ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમને ફરી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ ટેલિફોનિક વાતચીતમાં વડાપ્રધાને ફરી વાર કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષને હલ કરવા માટે વાતચીત અને કૂટનીતિ જ આગળનો રસ્તો છે. ફોન પર થયેલી વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને ક્ષેત્રિય તથા વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પુતિને પણ પીએમ મોદીને આગામી લોકસભાની ચૂંટણીના સફળ આયોજન માટે શુભકામનાઓ આપી હતી.
પુતિન સાથે વાતચીત કર્યા બાદ પીએમ મોદીએ યુકેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી આશ્વાસન આપ્યું હતું કે ભારત સતત માનવીય સહાયતા આપવાનું ચાલુ રાખશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં કહ્યું, રાષ્ટ્રપતિ પુતિનની સાથે વાત કરી અને રશિયન સંઘના રાષ્ટ્રપતિ તરીકે તેમના ફરીથી ચૂંટાવા બદલ તેમને અભિનંદન આપ્યા. અમે આગામી વર્ષોમાં ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને વિસ્તારિત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે સહમત થયા.
મોદીએ ઝેલેન્સ્કી સાથે પણ વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં સંઘર્ષના હલ માટે વાતચીત અને કૂટનીતિ જ આગળનો રસ્તો હોવાની વાતને દોહરાવી હતી. તદ્ ઉપરાંત શાંતિના બધા પ્રયાસો અને સંઘર્ષને ઝડપથી સમાપ્ત કરવા માટેના ભારતના સતત સમર્થનની જાણ કરી હતી.