નવી દિલ્હીઃ વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોની યાદીમાં ભારત 12મા સ્થાને છે. અમેરિકન કંપની ગ્લોબલ માર્કેટિંગ કમ્યુનિકેશને બીએવી ગ્રૂપ અને યુએસ વર્લ્ડ એન્ડ ન્યૂઝ રિપોર્ટ સાથે મળીને વિશ્વના શક્તિશાળી દેશોનું રેન્કિંગ મોડેલ તૈયાર કર્યુ છે. તેમા ભારતને 100માંથી 46.3 પોઇન્ટ આપવામાં આવ્યા છે. ફ્રાન્સ આ યાદીમાં ભારતથી એક ક્રમ આગળ 11મા ક્રમે છે.
અહેવાલમા જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ, યુનાઇટેડ આરબ અમીરાત, સાઉદી અરેબિયા, જાપાન, સાઉથ કોરિયા, બ્રિટન, જર્મની, રશિયા, ચીન અને અમેરિકા વિશ્વના ટોપ-10 શક્તિશાળી દેશ છે. જ્યારે 11મા નંબરે ફ્રાન્સ અને 12મા નંબરે ભારત છે.
અહેવાલમાં કહેવાયું છે કે સોફટવેર વર્કર, બિઝનેસ આઉટસોર્સિંગ સર્વિસિઝ અને આઇટી સર્વિસિઝમાં ભારત પાસે અપાર સંભાવના છે. ભારતને સૌથી વધુ પોઇન્ટ તેના વારસા અને સાંસ્કૃતિક પ્રભાવ માટે મળ્યા છે. આ યાદી પાંચ વિશેષતાઓના આધારે તૈયાર કરવામાં આવી છે, જે કોઈ પણ દેશની તાકાત દર્શાવે છે. તેમાં નેતા, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત લશ્કર અને મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણનો સમાવેશ થાય છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજમહેલ, હુમાયુનો મકબરો, કોણાર્કનું સૂર્ય મંદિર જૈવા અગ્રણી મંદિરો ઐતિહાસિક વારસા માટે જાણીતા છે. ભારતનો ફિલ્મ ઉદ્યોગ વિશ્વના કોઈ પણ ફિલ્મ ઉદ્યોગ કરતાં વધુ ફિલ્મો બનાવે છે. ભારતની પાસે ત્રણ બુકર પ્રાઇઝ વિજેતા લેખક સલમાન રશદી, રવિશંકર અને અલીખાન અકબર છે.
રેન્કિંગ મોડેલમાં તે વાત પર ભાર મૂકવામાં આવ્યો કે દેશની વિશાળ જનસંખ્યા અને તેની પ્રતિ વ્યક્તિ દીઠ ઓછી આવકે રેન્કિંગ પર પ્રતિકૂળ પ્રભાવ પાડ્યો છે. દેશ વિશાળ અને કુશળ કાર્યબળની સાથે ઝડપથી વિકસતી ઈકોનોમી છે. આમ છતાં ભારત વસ્તી, વ્યક્તિ દીઠ આવક અને કુલ જીડીપીના આધારે વિશ્વના ગરીબ દેશોમાં એક છે.