લંડનઃ વિશ્વમાં ૯૦ ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે અને તેના પરિણામે વર્ષે ૬૦ લાખ લોકો મોતનો શિકાર બને છે. શહેરો અને ગામડાંમાં પણ પ્રદુષણથી થતાં આ મોતમાં WHOના ૨૦૧૨ના આંકડા મુજબ ૧,૦૩૨,૮૩૩ મોત સાથે ચીન પ્રથમ, બીજા ક્રમે ભારત (૬૨,૧૧૯ મોત) અને બ્રિટન ૧૬,૩૫૫ મોત સાથે ૨૫મા ક્રમે હતું. વિશ્વની ૯૨ ટકા વસ્તી એવા સ્થળોએ રહે છે, જ્યાં હવાની ખરાબ ગુણવત્તાનું પ્રમાણ WHOની મર્યાદાથી વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજા રિપોર્ટમાં માર્ગો પર વાહનોની સંખ્યા ઘટાડવા, વેસ્ટ મેનેજમેન્ટ સુધારવા તેમજ સ્વચ્છ રાંધણ બળતણને પ્રોત્સાહન આપવા સરકારોને અનુરોધ કરાયો છે.
WHO દ્વારા ૩૦૦૦થી વધુ સ્થળોએથી મેળવાયેલા પ્રકાશિત ઈન્ટરેક્ટિવ મેપમાં PM2.5 તરીકે ઓળખાતાં પ્રદુષકોની તમામ દેશો માટે અસર તેમજ વિવિધ શહેરો અને નગરો માટે તેમની વેલ્યુઝ પણ દર્શાવાઈ છે. રિપોર્ટ અનુસાર શહેરોમાં આ સમસ્યા સૌથી ખરાબ છે પરંતુ ગામડાંની હવા પણ ચોખ્ખી રહી નથી. વિકસિત દેશોની સરખામણીએ ગરીબ દેશોમાં હવા વધુ પ્રદુષિત છે પરંતુ, વિશ્વના બધા દેશો અને સમાજના તમામ વર્ગને હવાઈ પ્રદુષણ અસર કરે છે.
રિપોર્ટમાં ૨૦૧૨માં વાર્ષિક અંદાજે ૬૫ લાખ મોત ઈન્ડોર અને આઉટડોર હવાઈ પ્રદુષણથી થયાં હતાં, જેમાંથી લગભગ ૩૦ લાખ મોત આઉટડોર હવાઈ પ્રદુષણના સંપર્કથી થયાં હતાં. હવાઈ પ્રદુષણથી મોતનું દેશ મુજબ વિભાજન કરીએ તો પ્રથમ ૧૦ની યાદીમાં ચીન (૧,૦૩૨,૮૩૩), ભારત (૬૨૧,૧૩૯), રશિયા (૧૪૦,૮૫૧), ઈન્ડોનેશિયા (૬૧,૭૯૨), પાકિસ્તાન (૫૯,૨૪૧), યુક્રેન (૫૪,૫૦૭), નાઈજિરિયા (૪૬,૭૫૦), ઈજિપ્ત (૪૩,૫૩૧), યુએસએ (૩૮,૦૪૩) અને બાંગલાદેશ (૩૭,૪૪૯) આવે છે.