જોહાનિસબર્ગઃ તમે કદી કલ્પના પણ કરી છે કે હાથીનો રંગ તપખીરી, ભૂખરો કે કાળો નહિ, પરંતુ આછો ગુલાબી હોઈ શકે? ધોળાં દૂધ જેવા, અથવા આલ્બીનો માણસની જેમ પણ હાથીનું બચ્ચું રંગહીન કે આલ્બીનો હોઈ શકે છે. આફ્રિકન હાથી આલ્બીનો - આછા ગુલાબી રંગનો જન્મે તેવી શક્યતા દર 10 હજારે એકની હોય છે. તાજેતરમાં સાઉથ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં પર્યટકોએ સામાન્ય રંગના હાથીની સાથે મોજમસ્તી કરતું આછાં ગુલાબી રંગનું આશરે એક વર્ષનું મદનિયું નિહાળ્યું હતું. સહલાણીઓએ પાડેલી તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે. કેન્યાના માસાઈ મારા નેશનલ રિઝર્વમાં પણ 2019માં આલ્બીનો મદનિયું જોવાં મળ્યું હતું.
સામાન્ય રીતે આવા આલ્બીનો હાથીનો તેના ટોળામાં સ્વીકાર કરાતો નથી અને અલગ તરછોડી દેવાય છે પરંતુ, આ બચ્ચું અન્ય સામાન્ય બચ્ચાં અને મોટા હાથીઓ સાથે ગેલ કરતું જોવા મળ્યું હોવાથી આશ્ચર્ય મનાય છે. માનવી સહિતના કોઈ પણ પ્રાણીની ત્વચાના કોષોમાં રંજકદ્રવ્ય કે પિગમેન્ટ મેલાનીનના અભાવના કારણે ચામડીનો રંગ સ્વાભાવિક જણાતો નથી. એશિયન હાથીઓની સરખામણીએ આફ્રિકન હાથીમાં આલ્બિનિઝમ – પિગમેન્ટ્સનો અભાવ દુર્લભ ગણાય છે.
આલ્બિનિઝમ સાથેના માનવીઓ તંદુરસ્ત જીવન ગુજારતા હોવાનું સામાન્ય છે પરંતુ, પ્રાણીઓમાં નાના બચ્ચાંને તબીબી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાઉથ અમેરિકામાં કીડીખાઉ – anteaterના નાનકડા બચ્ચા પર ભારે ધ્યાન અપાઈ રહ્યું છે કારણ કે તેના રુંછાં શ્વેતરંગી છે અને તે વિસ્તારની ભારે ગરમ હવામાનનો સામનો કરવાનું પણ મુશ્કેલ છે. આલ્બીનો હાથીના બચ્ચાને પણ પરિવાર દ્વારા તરછોડાવાના ભય સાથે તેની દૃષ્ટિની સમસ્યા પણ રહે છે. આ ઉપરાંત, નાના પ્રાણીઓને જંગલી પ્રાણીઓના શિકાર બની જવાનો ડર પણ રહે છે. કુદરતે આપેલા મૂળ રંગના કારણે પ્રાણીઓ આસપાસના વિસ્તારની રંગની પેટર્ન્સ સાથે ભળી જતાં હોવાથી શિકારી પ્રાણીઓની નજરમાંથી બચવું સહેલું છે. જ્યારે આલ્બીનો પ્રાણીઓ માટે આ શક્ય બનતું નથી અને તેઓ તરત જ શિકારીઓની નજરમાં આવી જાય છે.