ટોરોન્ટોઃ કેનેડાની એક મલ્ટીપ્લેક્સ ચેઈને ભારતીય ફિલ્મોનું પ્રદર્શન અટકાવી દીધું છે કારણ કે તેના થિયેટરોને અજાણ્યા લોકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડિયન પ્રેસ એજન્સીએ સિનેપ્લેક્સના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરો દ્વારા કરાયેલા હુમલાને ધ્યાનમાં રાખીને મલ્ટિપ્લેક્સ ફિલ્મોનું સ્ક્રીનિંગ સ્થગિત કરી રહ્યું છે.
યોર્ક પોલીસે કહ્યું હતું કે તેઓ ગ્રેટર ટોરોન્ટો એરિયાના બંને શહેરો રિચમન્ડ હિલ અને વોન ખાતેના થિયેટરોમાં થયેલા ગોળીબારની તપાસ કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ રિચમન્ડ હિલના એક થિયેટરમાં અજાણી વ્યક્તિઓ ગોળીબાર કરી ગયા હતા.
YRPએ જણાવ્યું હતું કે તે રિચમન્ડ હિલના થિયેટરમાં 24 જાન્યુઆરીએ થયેલા શૂટઆઉટની તપાસ કરી રહ્યાં છે. તે જ દિવસે, વોનમાં પણ આ પ્રકારની ઘટનાને અંજામ અપાયો હતો. પોલીસ યોર્ક પ્રદેશમાં બનેલી બે ઘટનાઓને ટોરોન્ટો અને પીલ વિસ્તારના થિયેટરોમાં તે જ રાત્રે થયેલા ગોળીબાર સાથે સાંકળીને તપાસ કરી રહી છે. આ દરમિયાન સિનેપ્લેક્સે તેની વેબસાઈટ પરથી ભારતીય ફિલ્મોની યાદી પણ હટાવી દીધી છે.