• ઓબામાએ રૂ. ૪.૫૦ લાખ કરોડનું બજેટ રજૂ કર્યુંઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ સોમવારે સાડા ચાર લાખ કરોડ ડોલરનું બજેટ રજૂ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર તેમનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, શ્રીમંતો અને ઉદ્યોગપતિઓ પર કર વધારીને મધ્યમવર્ગીય અમેરિકનોને રાહત આપવાનો છે. આ પ્રસ્તાવને કારણે રિપબ્લિકન પાર્ટી સાથેનો તેમનો સંઘર્ષ વધુ તેજ બને તેવી શક્યતા છે. લશ્કર પાછળ ૫૬૧ બિલિયન ડોલર ખર્ચાશે. તેમાં રશિયા સામે સંઘર્ષ કરી રહેલા યુક્રેનને અપાનારી મદદનો પણ સમાવેશ થાય છે. લગભગ ૧૪ બિલિયન ડોલર સાયબર સુરક્ષા માટે અનામત રાખ્યા છે.
• પાકિસ્તાનમાં અંતે હિન્દુ ડોક્ટરની મુક્તિ થઇઃ પાકિસ્તાનમાં બે મહિના પહેલાં અપહરણ કરાયેલા હિન્દુ ડોક્ટરને અપહરણકારોએ મુક્ત કર્યા છે પરંતુ આ મુક્તિના બદલામાં તેણે ઘણી મોટી ખંડણી ચૂકવવી પડી છે. પોલીસે જણાવ્યું હતું કે, અપહૃત ડોક્ટર મનોજકુમારની મુક્તિ માટે તેના પરિવારે રૂ. ૧.૫ કરોડ આપ્યા છે. ડો. મનોજકુમારનું અપહરણ ૨ ડિસેમ્બરે ક્વેટામાંથી થયું હતું અને ખંડણી ચૂકવ્યા બાદ ગત સપ્તાહે તેને હજારીગંજ વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા. અપહરણકારોની ચુંગાલમાં રહેવાથી તેમનું વજન ઘણું ઘટી ગયું હતું અને ખૂબ ગભરાયેલા હતા.
• ISએ બીજા જાપાની બંધકની હત્યા કરીઃ ઈસ્લામિક સ્ટેટે ગત સપ્તાહે એક વીડિયો જાહેર કરીને જાપાની પત્રકારનું માથું વાઢી નાંખ્યું હોવાનો દાવો કર્યો હતો. આમ બે અઠવાડિયા સુધી ચાલેલા નાટકનો અંત બે જાપાની વ્યક્તિઓના ભોગ સાથે આવ્યો હતો. આતંકીઓએ ગોટોને મુક્ત કરવા માટે શરત રાખી હતી અને ચોક્કસ સમયની મહેતલ આપી હતી. પરંતુ જોર્ડનની સરકારે તેમની માગણી પૂરી કરી નહોતી. તેથી ગોટોની હત્યા કરાઇ હતી.