લંડનઃ યુકેના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરે જણાવ્યું હતું કે, વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં ભારત, અમેરિકા અને ચીન એમ 3 મહાશક્તિ હશે. જેના કારણે વૈશ્વિક વ્યવસ્થા ઘણી જટિલ બનશે. વિશ્વના નેતાઓએ આ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
એક અખબારી મુલાકાતમાં ટોની બ્લેરે જણાવ્યું હતું કે, વિશ્વના દેશોએ આ 3 મહાશક્તિઓ દ્વારા આકાર પામેલા બહુ ધ્રુવીય વિશ્વને સ્વીકારવાની જરૂર પડશે. તમારે એ નક્કી કરવું પડશે કે તમારો દેશ વિશ્વમાં કયા સ્થાને યોગ્ય રહેશે. આ સદીના મધ્યભાગ સુધીમાં ભારત, અમેરિકા અને ચીન મહાશક્તિઓ હશે.
1997થી 2007 સુધી બ્રિટનના વડાપ્રધાન રહેલા ટોની બ્લેરે જણાવ્યું હતું કે, મારા શાસનકાળની સરખામણીમાં આજનું વિશ્વ વધુ જટિલ બન્યું છે. તે સમયે અમેરિકા એક મહાશક્તિ હતો અને ચીન તથા ભારતનો ઉદય વૈશ્વિક ભૌગોલિક રાજનીતિને નવા આયામ આપી રહ્યો હતો. હાલની સ્થિતિ ગઠબંધન અને કૂટનીતિના પુનઃમૂલ્યાંકનની માગ કરે છે.
બ્લેરે જણાવ્યું હતું કે, તમારે એવા મજબૂત ગઠબંધન તૈયાર કરવા પડશે જે આ 3 સુપરપાવર દેશો સાથે કેટલાક અંશે સમાનતાથી વાત કરી શકે.