લંડનઃ મોટાભાગના ભારતીય બિઝનેસ યુકેને બિઝનેસ વિસ્તરણ માટે પસંદ કરી રહ્યાં છે. ગ્રાન્ટ થોર્ટન યુકે દ્વારા જારી કરાયેલા ઇન્ટરનેશનલ બિઝનેસ રિપોર્ટમાં 31 દેશોના 3500 સીનિયર એક્ઝિક્યુટિવોનો સરવે કરાયો હતો. સરવે અનુસાર 89 ટકા મિડ માર્કેટ ભારતીય બિઝનેસ અથવા તો કંપનીઓ માટે વેપારની વૃદ્ધિ કરવા યુકે પસંદગીનો દેશ છે. જેની સામે યુકેના 61 ટકા બિઝનેસ વેપાર વિસ્તરણ માટે ભારતને પ્રોમિસિંગ માર્કેટ તરીકે જોઇ રહ્યાં છે.
હાલ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર માટે મંત્રણા ચાલી રહી છે. અત્યાર સુધીમાં મંત્રણાના 14 રાઉન્ડ સમાપ્ત થઇ ચૂક્યાં છે. આ કરાર થયા બાદ બંને દેશના પરસ્પરના વેપાર હિતોને લાભ થશે.
ગ્રાન્ટ થોર્ટન યુકે ખાતે સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપના વડા અનુજ ચંદેએ જણાવ્યું હતું કે, ભારતીય અને બ્રિટિશ એમ બંને બિઝનેસ વૈશ્વિક વિસ્તરણ માટે એક બીજાને મહત્વના લક્ષ્યાંક ગણી રહ્યાં છે. યુકે-ઇન્ડિયા કોરિડોરની બંને તરફના બિઝનેસો માને છે કે બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર વેપારની સંભાવનાઓને વધુ મજબૂત બનાવશે.