લંડનઃ NHSના ઈતિહાસમાં આગામી શિયાળામાં હોસ્પિટલોમાં પથારીની સૌથી મોટી કટોકટીને ધ્યાનમાં રાખી હજારો ઓપરેશન્સ અને એપોઈન્ટમેન્ટ્સ રદ કરી દેવાશે. હોસ્પિટલોમાં રોકાયેલી પથારીઓના સીધે સીનિયર ડોક્ટર્સને વોર્ડ્સ તેમજ A&Eમાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના કામે લગાવવાની ફરજ પડી છે.
આરોગ્યસેવામાં ડોક્ટર્સની ભારે અછત છે ત્યારે આ ગંભીર કટોકટી આવી પડી છે. કોમન્સ હેલ્થ સિલેક્ટ કમિટી સમક્ષની જુબાનીમાં એપોઈન્ટમેન્ટ્સ રદ કરવાની રાષ્ટ્રીય યોજનાની ચર્ચા કરાઈ હતી. બીજી તરફ, નવા કોન્ટ્રાક્ટના વિરોધમાં જુનિયર ડોક્ટર્સ દ્વારા સ્ટ્રાઈકની ધમકીને પણ ધ્યાને લેવાઈ છે. હોસ્પિટલોમાં બેડ્સ ખાલી કરાવવાના પ્રયાસમાં જે દર્દીઓને સલામતપણે ડિસ્ચાર્જ કરી ઘેર મોકલી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સીનિયર ડોક્ટર્સને જણાવાશે.
ધ રોયલ કોલેજ ઓફ ઈમર્જન્સી મેડિસિન દ્વારા ચેતવણી અપાઈ છે કે જરુરિયાતની સામે ડોક્ટર્સ અને પથારીની સંખ્યા ઘણી ઓછી થઈ રહી છે. યુરોપમાં દર્દીદીઠ પથારીની સંખ્યા યુકેમાં સૌથી ઓછી છે. એક કન્સલ્ટન્ટ ૧૧,૦૦૦ દર્દીને તપાસે છે, જે દર વિકસિત દેશોમાં સૌથી ઊંચો છે. વૃદ્ધ વસતીમાં વધારો થયો હોવાથી છ વર્ષ અગાઉ કરતા રોજ વધુ ૬,૦૦૦ લોકો A&Eમાં તપાસ કરાવવા આવે છે. પેશન્ટ્સ એસોસિયેશન અનુસાર ગયા વર્ષે દિવસમાં ૧૦૦,૦૦૦થી વધુ ઓપરેશન્સ રદ કરાયાં હતાં.