લંડનઃ કેન્સર લીમ્ફેટિક સિસ્ટમમાં પ્રસરી ગયું છે કે કેમ તેને ચકાસવા પેનાઈલ કેન્સરના દર્દીઓએ લિમ્ફ નોડ બાયોપ્સીઓ કરાવવાની જરૂર પડે છે. જોકે, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ્સ (UCLH)ને નવા સેન્ટિનેલ નોડ પ્રોબનું દાન અપાયા પછી દર્દીઓને વધુ પ્રમાણમાં વાઢકાપ વિના બાયોપ્સી કરાવવી શક્ય બનશે.
કન્સલ્ટન્ટ યુરોલોજિકલ સર્જન આસિફ મુનીર દ્વારા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના એક ટ્રસ્ટી કેતન મહેતાની સફળ સારવારના પગલે UCLHને આ ઉપકરણ દાનમાં અપાયું છે. ન્યુક્લીઅર મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા જમશેદ બોમનજીએ જણાવ્યું હતું કે કેન્સર મુખ્ય સ્થાનેથી લીમ્ફેટિક સિસ્ટમમાં પ્રસરી શકે છે. આ ફેલાવાની ચકાસણી માટે અનેક ગ્રંથિઓ કાપી પેથોલોજી તપાસ માટે મોકલવી પડે છે, જેમાં અનેક વખત વાઢકાપ કરવી પડે છે. આના બદલે કેન્સર થયાની જગ્યાએ અલ્પ પ્રમાણમાં રેડિયોએક્ટિવ સામગ્રી ઈન્જેક્ટ કરી ટ્રેસર લીમ્ફેટિક સિસ્ટમમાં કેટેલે સુધી જાય છે તે જોવાનું રહે છે. આના પરિણામે, ઓછા પ્રમાણમાં અને ચોક્કસ સ્થળોએ જ સર્જરી કરવાની શક્યતા ધ્યાનમાં લેવાય છે.
આસિફ મુનીરે કહ્યું હતું કે સેન્ટિનેલ નોડ બાયોપ્સીના રિઝલ્ટ્સ નેગેટિવ આવે તો તમામ લિમ્ફ નોડ્સની સર્જરીની લાંબી પ્રક્રિયામાંથી દર્દી બચી શકે છે. યુકેમાં દર વર્ષે ૪૦૦થી ૫૦૦ પુરુષને પેનાઈલ કેન્સરની અસર થાય છે. ૫૦થી વધુ વયના પુરુષને આ કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. જોકે, યુવાન પુરુષોને પણ તેનું જોખમ હોય જ છે.