લંડનઃ આગામી સપ્તાહો બ્રિટનની આર્થિક નીતિ અને રાજનીતિની આગામી વર્ષો માટેની કેડી કંડારશે. જુલાઇ મહિનામાં યોજાયેલી સંસદની ચૂંટણી બાદ 14 વર્ષ બાદ સત્તામાં આવેલી લેબર પાર્ટીની સર કેર સ્ટાર્મર સરકાર ઓક્ટોબરના અંતમાં બજેટ રજૂ કરશે તો બીજીતરફ આગામી થોડા દિવસોમાં સંસદમાં સૌથી મોટી વિરોધી પાર્ટી કન્ઝર્વેટિવ તેનો નવો નેતા ચૂંટવા જઇ રહી છે.
બ્રિટનને નવી સરકાર તો મળી છે પરંતુ આર્થિક પડકારો નવા નથી. 30મી ઓક્ટોબરે ચાન્સેલર રેચલ રીવ્ઝ તેમનું પ્રથમ બજેટ રજૂ કરશે. સરકારનું વધી ગયેલું જાહેર દેવું, જનતા પર ઐતિહાસિક કર બોજ અને ખસ્તાહાલ બનેલી જાહેર સેવાઓ તેમની સામેના સૌથી મોટા પડકાર રહેશે.
લેબર સરકાર સત્તામાં આવી છે ત્યારથી પુરોગામી ટોરી સરકાર પર અર્થવ્યવસ્થા નબળી બનાવવાનો અને દેશની તિજોરીમાં 22 બિલિયન પાઉન્ડનો ખાડો પડ્યો હોવાની રજૂઆત કરીને કરવેરામાં વધારો અને બેનિફિટ્સમાં ઘટાડાનો મંચ તૈયાર કરી રહી છે.
જોકે ચાન્સેલર રીવ્ઝ આવકવેરા, નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટમાં વધારાની સંભાવનાઓ નકારી ચૂક્યાં છે પરંતુ તેઓ એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સ, કેપિટલ ગેઇન ટેક્સ, ઇનહેરિટન્સ ટેક્સ અને ઇંધણો સહિતના વિવિધ ઉત્પાદનો પરની ડ્યુટીમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે. ત્યારે હવે આગામી ઓટમ બજેટમાં રીવ્ઝ દ્વારા રજૂ થનારી આર્થિક જોગવાઇઓ આગામી વર્ષો માટે દેશની આર્થિક ગતિ નિર્ધારિત કરશે. 2024ના પ્રારંભથી યુકેનું અર્થતંત્ર સારો દેખાવ કરી રહ્યું છે. ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2 ટકાના અંદાજની આસપાસ સ્થિર થયો છે. જીડીપીનો વૃદ્ધિદર પ્રથમ ત્રિમાસિકમાં 0.7 ટકા અને બીજા ત્રિમાસિકમાં 0.6 ટકા રહ્યો છે. આમ રીવ્ઝ માટે આર્થિક નિર્ણયો લેવા સરળ બની રહેશે. 30મી ઓક્ટોબર બ્રિટનનું આર્થિક ભાવિ નક્કી કરશે.
બીજીતરફ દેશની રાજનીતિ નક્કી કરતાં બદલાવ પણ આવી રહ્યાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં રિશી સુનાકના અનુગામીની પસંદગી પણ અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. મંગળવારે યોજાયેલા મતદાનમાં એક દાવેદાર નેતૃત્વની રેસમાંથી બહાર થઇ જતાં હવે 3 ઉમેદવાર મેદાનમાં રહ્યાં હતાં અને બુધવારે યોજાનારા મતદાનમાં આ ત્રણમાંથી વધુ એક રેસની બહાર થઇ જતાં અંતિમ બે ઉમેદવાર મેદાનમાં રહેશે. આ પહેલાં ડેમ પ્રીતિ પટેલ અને મેલ સ્ટ્રાઇડ નેતૃત્વની રેસમાંથી બહાર થઇ ચૂક્યાં છે. નવેમ્બરના પ્રારંભે ટોરી પાર્ટીને નવો નેતા મળી જશે.