લંડનઃ ભારત અને યુકેએ આતંકવાદીઓની ક્રોસ બોર્ડર મૂવમેન્ટ સહિત તમામ પ્રકારના આતંકવાદને વખોડી કાઢતાં આતંકવાદ સામેની લડાઇમાં આંતરરાષ્ટ્રીય સહકાર વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે આતંકવાદ પર ભારત અને યુકેના જોઇન્ટ વર્કિંગ ગ્રુપની 16મી બેઠક યોજાઇ ગઇ જેમાં આતંકવાદના પડકારનો સામનો કરવાનો મુદ્દો ચર્ચાયો હતો.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે જાહેર થયેલા આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓ દ્વારા ઊભી થઇ રહેલી ધમકીઓ સહિત પોતપોતાના પ્રદેશોમાં આતંકવાદ અને કટ્ટરવાદના પડકારો અંગે બંને પક્ષોએ સમીક્ષા રજૂઆત કરી હતી. ભારત અને યુકે તમામ પ્રકારના આતંકવાદને વખોડી કાઢે છે. બંને પક્ષોએ આતંકવાદ સામેની લડાઇમાં આતંકી સંગઠનો અને આતંકવાદીઓના સફાયા માટે પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. બંને પક્ષ આ પડકારોનો સામનો કરવા દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનાવવા સહમત થયાં હતાં.
આ મંત્રણામાં ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી કે ડી દેવલ અને બ્રિટિશ પક્ષનું નેતૃત્વ એશિયામાં કાઉન્ટર ટેરરિઝમ નેટવર્કના વડા ક્રિસ ફેલ્ટને કર્યું હતું.