લંડનઃ ભારત અને યુકે વચ્ચે મેલેરિયાની વેક્સિન વિકસાવવા માટે ભાગીદારી કરવામાં આવી રહી છે જેના કારણે આફ્રિકામાં મેલેરિયા સામે લડવામાં મદદ મળી રહેશે. બ્રિટિશ વૈજ્ઞાનિકો અને ભારતીય ઉત્પાદકો વચ્ચે કરાયેલા કરારને પગલે મેલેરિયાની બે વેક્સિન તૈયાર કરાઇ છે જેના દ્વારા ઘાના, કેન્યા અને મલાવીમાં 20 લાખ બાળકોનું વેક્સિનેશન કરાયું છે. કેમેરુનમાં પણ બાળકોને મેલેરિયાની રસી આપવાનું શરૂ કરાયું છે.
કોમનવેલ્થ ડેવલપમેન્ટ ઓફિસના જણાવ્યા અનુસાર બંને વેક્સિનને મોટી સફળતા મળી રહી છે. આ બંને વેક્સિન સમગ્ર આફ્રિકામાં આપવાની યોજના છે. 2025ના અંત સુધીમીં 60 લાખ બાળકોને મેલેરિયાની વેક્સિન અપાશે. વિશ્વમાં મેલેરિયા સામેની લડાઇમાં આ એક મોટું કદમ છે. ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી વિના આ શક્ય બન્યું ન હોત.
આ સપ્તાહથી સિએરા લિઓન, લાઇબેરિયા અને બેનિનમાં પણ ભારત અને યુકે દ્વારા વિકસાવવામાં આવેલી મેલેરિયાની રસી આપવાનો પ્રારંભ કરાશે. ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીની આ એક વધુ સક્સેસ સ્ટોરી છે. મેલેરિયાની વેક્સિન તૈયાર કરવામાં અને ઉત્પાદન કરવામાં ભારત અને યુકે દ્વારા સંયુક્ત પ્રયાસ કરાયા છે.