લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે આયર્લેન્ડ પહોંચેલા રાજ્યાશ્રય વાંચ્છુઓને યુકે સ્વીકારશે નહીં. ડબ્લિન સાથે આ મુદ્દે કોઇ સમજૂતિની પણ સંભાવના નથી. મને તેમાં કોઇ રસ નથી. યુરોપિયન યુનિયનમાંથી આયર્લેન્ડ પહોંચેલા શરણાર્થીઓને અમે સ્વીકારવાના નથી. જ્યારે યુરોપિયન યુનિયન ફ્રાન્સથી આવતા માઇગ્રન્ટ્સને સ્વીકારતું નથી તો આપણે શા માટે તેમ કરવું જોઇએ. હવે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ આયર્લેન્ડ તરફ વળી રહ્યાં છે તેનો અર્થ એ થયો કે રવાન્ડા યોજના કામ કરી રહી છે.
આયર્લેન્ડ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને યુકે પરત મોકલી આપશે
રવાન્ડા બિલ પસાર થયા બાદ હવે ગેરકાયદેસર માઇગ્રન્ટનો ધસારો આયર્લેન્ડ તરફ વળ્યો છે ત્યારે આયર્લેન્ડે જણાવ્યું છે કે નોર્ધન આયર્લેન્ડમાંથી આયર્લેન્ડમાં ઘૂસણખોરી કરનારા માઇગ્રન્ટ્સને યુકે પરત મોકલી દેવામાં આવશે. આ માટે આયરિશ વડાપ્રધાન સાયમન હેરિસે તેમના જસ્ટિસ મંત્રીને કાયદામાં સુધારો કરવા સૂચના આપી છે. જે અંતર્ગત આયર્લેન્ડમાં રાજ્યાશ્રય માગનારાને યુકે પરત મોકલી શકાશે.