લંડનઃ દેશમાં સડકોની બિસ્માર હાલત વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહી છે. સડકોમાં પડેલાં ગાબડાંના કારણે વાહનોને થતું નુકસાન દિનપ્રતિદિન વધી રહ્યું છે. એએ પોટહોલ ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર સડકમાં ગાબડાંના કારણે વાહનો ખોટકાઇ જવાની અને નુકસાનની ઘટનામાં છેલ્લા એક વર્ષમાં 10,000નો વધારો થયો છે.
સપ્ટેમ્બર 2024માં આ પ્રકારની ઘટનાઓ 50,244 પર પહોંચી હતી. સ્થિતિ હાલમાં બગડી હોય તેમ પણ નથી. સપ્ટેબર 2017માં પણ 50,418 ઘટના નોંધાઇ હતી. સડકો પર ગાબડાંના કારણે ટાયરમાં પંક્ચર, વ્હીલને નુકસાન, સ્ટીયરિંગ અને સસ્પેન્સનને નુકસાનનો સમાવેશ થાય છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે સડકોમાં ગાબડાંમાં મોટો વધારો થયો છે.
એએ, જેસીબી, બ્રિટિશ સાયકલિંગ, નેશનલ મોટરસાયકલિસ્ટ કાઉન્સિલે લેબર સરકારને સડકો પરના ગાબડાં પૂરીને તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલા પ્રતિ વર્ષ એક મિલિયન ગાબડાં પૂરવાના વચનનું પાલન કરવા અપીલ કરી છે.
એપ્રિલમાં પ્રસિદ્ધ થયેલા એક રિસર્ચ અનુસાર ઇંગ્લેન્ડની સડકોની બિસ્માર હાલતને લીધે પ્રતિ વર્ષ 14.4 બિલિયન પાઉન્ડનું આર્થિક નુકસાન થઇ રહ્યું છે. એએના પ્રમુખ એડમન્ડ કિંગે જણાવ્યું હતું કે, વાહનચાલકો બિસ્માર સડકોના કારણે ઘણા પરેશાન છે. સરકારે થીંગડા મારવાને બદલે આ સમસ્યાના કાયમી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.