લંડનઃ હોમ ઓફિસના જણાવ્યા અનુસાર સ્પેશિયાલિસ્ટ ગ્રુમિંગ ગેંગ યુનિટે છેલ્લા એક વર્ષમાં બાળકોને પોતાની હવસનો શિકાર બનાવનારા 550 શંકાસ્પદોની ધરપકડ કરી છ. એપ્રિલ 2023માં રચાયેલ ગ્રુમિંગ ગેંગ ટાસ્ક ફોર્સના સ્પેશિયાલિસ્ટ ઓફિસરોએ 4000 કરતાં વધુ પીડિતોની ઓળખ કરીને તેમને સંરક્ષણ આપ્યું છે.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, બાળકોનું જાતીય શોષણ થતું અટકાવવા માટે આપણે આપણી પાસે રહેલા તમામ અધિકાર અને સત્તાનો ઉપયોગ કરવો જોઇએ અને હવસસખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ.
એનપીસીસી નેશનલ પોલીસ લીડ ફોર ચાઇલ્ડ પ્રોટેક્શન ઇયાન ક્રિચલીએ જણાવ્યું હતું કે, ટાસ્ક ફોર્સનો પ્રારંભ કરાયો છે ત્યારથી અમે બાળકોના જાતીય શોષણને અટકાવવાના પ્રયાસો વધારી દીધાં છે. અમે પીડિતોને સંરક્ષણ આપીએ છીએ અને તેમના અપરાધીઓને જેલભેગા કરીએ છીએ. દુર્ભાગ્યની વાત એ છે કે હજુ બાળકોનું જાતીય શોષણ થઇ રહ્યું છે.
ગ્રુમિંગ ગેંગના સરગણા મુબારક અલીને વધુ 12 વર્ષની કેદ
યુકેની સૌથી ખતરનાક ગ્રુમિંગ ગેંગ પૈકીની એકના સરગણા મુબારક અલીને વધુ 12 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. મુબારક અલીએ શ્રુસબરી ક્રાઉન કોર્ટમાં પોતાનો દોષ કબૂલતાં જણાવ્યું હતું કે, તેણે અને અન્ય 100 જેટલા નરાધમોએ એક સગીરા પર વર્ષો સુધી બળાત્કાર કર્યો હતો. આ તમામ નરાધમો શ્રોપશાયર, ટેલફોર્ડના રહેવાસીઓ હતા. હાલમાં 30 વર્ષની એવી પીડિતાએ કોર્ટને જણાવ્યું હતું કે, મુબારક અલી પીડિતાને વોડકા અને રેડબુલની લાલચ આપીને લઇ જતો અને ઘણા સ્થળો ખાતે તેના પર બળાત્કાર ગુજારતો હતો. તેના મિત્રો દ્વારા પણ મારા પર બળાત્કાર કરાતો હતો.