લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા ક્વીન કેમિલા, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટનને રાજવી સન્માનથી સન્માનિત કરાયાં છે. 76 વર્ષીય ક્વીન કેમિલાને ગ્રાન્ડ માસ્ટર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો દરજ્જો અપાયો છે. અગાઉ આ દરજ્જો તેમના શ્વસુર પ્રિન્સ ફિલિપ અને દાદા જ્યોર્જ છઠ્ઠા પાસે હતો.
પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન કમ્પેનિયન ઓફ ધ મોસ્ટ નોબલ ઓર્ડર ઓફ ગાર્ટર, ધ ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન્સ ઓફ ઓનર્સ બનનારા રાજવી પરિવારના પ્રથમ સભ્ય બન્યાં છે. યુકેમાં એનાયત થતા સર્વોચ્ચ રાજવી એવોર્ડમાં આ એવોર્ડનો સમાવેશ થાય છે. આ પહેલાં ધ ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન્સ ઓફ ઓનર્સ મેળવનારામાં સર ડેવિડ એટનબરો, ડેવિડ હોકની, ડેમ મેગી સ્મિથ, સર પોલ મેકકાર્ટની અને સર એલ્ટન જ્હોનનો સમાવેશ થાય છે. કેટ મિડલટનની અદ્વિતિય જાહેર સેવાઓને ધ્યાનમાં રાખીને કિંગ ચાર્લ્સ દ્વારા તેમને આ સન્માન અપાયું છે.
ધ ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન્સ ઓફ ઓનરનો પ્રારંભ કિંગ જ્યોર્જ પંચમ દ્વારા કરાયો હતો. 1917માં શરૂ કરાયેલું આ સન્માન કલા, વિજ્ઞાન, મેડિસિન અને જાહેર સેવાઓમાં અદ્વિતિય કામગીરી કરનારા નાગરિકોને આ સન્માન અપાય છે.
પ્રિન્સ વિલિયમને સેના અને જાહેર જીવનમાં અદ્વિતિય સેવાઓ માટે ગ્રેટ માસ્ટર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બાથથી સન્માનિત કરાયાં છે. આ એવોર્ડનો પ્રારંભ 18મી સદીથી કરાયો હતો. દેશને આપેલા અદ્વિતિય યોગદાન માટે આ સન્માન પ્રતીક છે.