લંડનઃ આફ્રિકન દેશોમાં ફિલ્મનિર્માણ ‘વ્હાઈટ સેવિયર્સ’ના જૂના અભિગમ સાથેનું હોવાથી કોમિક રિલીફ દ્વારા એડ શીરેન અથવા સ્ટેસી ડૂલી જેવી સેલિબ્રિટઝને પ્રમોશનલ ફિલ્મ્સના નિર્માણ માટે આફ્રિકન દેશોમાં મોકલવાનું બંધ કરવા નિર્ણય લેવાયો હતો. રેડ નોઝ ડે ફંડ રેઈઝિંગ કાર્યક્રમ માટે જાણીતી આ ગરીબીવિરોધી ચેરિટીએ જણાવ્યું હતું કે તે ભૂખમરો વેઠી રહેલા લોકો અથવા ગંભીર બીમાર બાળકોની તસવીરોનો ઉપયોગ કરીને તેનું નિરુપણ કરવાના બદલે તે આફ્રિકન રાષ્ટ્રોમાં સ્થાનિક ફિલ્મનિર્માતાઓ અને ફોટોગ્રાફરોએ તૈયાર કરેલી સામાન્ય જીવનને પ્રોત્સાહન પૂરું પાડતી કથાઓને મહત્ત્વ આપશે.
અગાઉ બ્રિટિશ સેલિબ્રિટી દેશોના મુલાકાત લેતી હતી. ફિલ્મમાં આફ્રિકન લોકો જે હાડમારી ભોગવતા હતા તેની ભાવવાહી પ્રતિક્રિયા દર્શાવવામાં આવતી અને તે પછી સેલિબ્રિટી લોકોને નાણાકીય સહાય માટે અનુરોધ કરતી હતી. ફંડ રેઈઝિંગ માટેના કોમિક રિલીફના આ દાયકા જૂના અભિગમની વધી રહેલી ટીકાને પગલે આ નિર્ણય લેવાયો હતો.
ગયા વર્ષે કોમિક રિલીફની ટ્રીપ દરમિયાન ડૂલીએ યુગાન્ડાના છોકરાને ઉંચકીને પડાવેલી તસવીરોની લેબર સાંસદ ડેવિડ લેમીએ એમ કહીને ટીકા કરી હતી કે બીબીસી પ્રેઝન્ટર મદદરૂપ ન થાય તેવી જૂની એકની એક રજૂઆત કરી હતી. લેમીએ ઉમેર્યું કે કોમિક રિલીફ માટે ગામડાની મુલાકાત લેવાના ડૂલીના સારા ઈરાદા વિશે તેમને કોઈ શંકા નથી. પરંતુ, વિશ્વને હવે ‘વ્હાઈટ સેવિયર્સ’ની કોઈ જરૂર નથી.
શીરેને ૨૦૧૭માં લાઈબેરિયાની મુલાકાત લીધી તેની પણ ટીકા થઈ હતી. તે વખતે તેમણે હોડીમાં સૂતેલા બે બાળકોને જોઈને સલામત આશ્રય મળે તે માટે નાણા આપવા જણાવ્યું હતું. તેનો વીડિયો વાઈરલ થયો અને તેને લીધે મિલિયન્સ પાઉન્ડસ એકત્ર થયાં હતા. પરંતુ, નોર્વેના એઈડ વોચડોગે ‘પોવર્ટી પોર્ન’ ગણાવીને તેની ટીકા કરી હતી.