લંડનઃ રેસ્ટોરન્ટ ડિરેક્ટર સેહરિશ યાસ્મિન પર કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા વેપાર-ધંધાને અપાયેલી લોનના 12,000 પાઉન્ડ ઓળવી જઇને તેમાંથી સોનાના ઘરેણાની ખરીદી કરવાનો આરોપ મૂકાયો છે. નિયમાનુસાર યાસ્મિન એક જ લોન મેળવવા હકદાર હતી પરંતુ તેણે છેતરપિંડી કરીને બે વાર લોન લીધી હતી. મે 2020માં પહેલા તેણે 50,000 પાઉન્ડની લોન માટે અરજી કરી હતી અને ત્યારબાદ એક જ કંપની માટે બીજા 50,000 પાઉન્ડની લોન માટે અરજી કરી હતી. વ્યવસાયે નર્સ એવી યાસ્મિને લોનની રકમમાંથી 12000 પાઉન્ડના સોનાના ઘરેણાની ખરીદી કરી હતી. ગયા સપ્તાહમાં યાસ્મિનને આ ફ્રોડ માટે 10 મહિનાની કેદની સજા અપાઇ હતી. યાસ્મિને તેની લોન તો ભરપાઇ કરી દીધી છે પરંતુ કોર્ટે તેને ખર્ચ અને વળતર પેટે 28 દિવસમાં 5000 પાઉન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.