લંડનઃ ક્રેશ ફોર કેશ ફ્રોડના કેસોમાં 60 ગણો વધારો થતાં વાહનચાલકોને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે. મોટરબાઇક અને સ્કૂટર ચાલકો નિર્દોષ મોટરકાર ચાલક પર આરોપ મૂકી શકે તે માટે જાણીજોઇને અકસ્માત સર્જતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
વીમા કંપની આલિયાન્ઝે જણાવ્યું હતું કે આંકડા અનુસાર જાન્યુઆરી-ડિસેમ્બર 2023ના સમયગાળામાં આ સ્કેમ સાથે સંબંધિત દાવાઓમાં 6000 ટકાનો વધારો થયો હતો. જે અગાઉના વર્ષ કરતાં 50 ટકાનો વધારો દર્શાવે છે. આ પ્રકારના વીમા ફ્રોડમાં વાહનચાલક વીમાનો દાવો કરવા માટે જાણીજોઇને અકસ્માત સર્જતો હોય છે.
ફ્રોડ આચરનારા વાહનચાલક કાર પાર્ક કરે તેની રાહ જોતા હોય છે. દાખલા તરીકે જેવો વાહનચાલક કારનો દરવાજો ખોલે કે તે તરત તેની બાજુમાંથી પસાર થાય છે અને કાર સાથે ટકરાય છે. જેથી એવું પૂરવાર કરી શકાય કે કાર ચાલકનો જ દોષ હતો.
આલિયાન્ઝના જણાવ્યા અનુસાર આ પ્રકારના 10માંથી 4 બનાવટી અકસ્માત બપોર બાદ અથવા તો સાંજે શાળાઓ છૂટવાના સમય દરમિયાન થતાં હોય છે. ફ્રોડ આચરનારા માટે લંચ ટાઇમ પણ અકસ્માત સર્જવા માટે આદર્શ સમય છે.