લંડનઃ સરકાર રમતના મેદાનો, હોસ્પિટલ ગ્રાઉન્ડ અને શાળાની નજીકના વિસ્તારોમાં વેપિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. બાળકોને વેપિંગની આદતથી બચાવવા આ પગલાં લેવાઇ રહ્યાં છે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ અને ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટી સાથે મળીને ઇંગ્લેન્ડમાં ખુલ્લામાં ઇ-સિગારેટના ઉપયોગ પર પ્રતિબંધની પણ વિચારણા કરી રહ્યાં છે.
આગામી સપ્તાહમાં સંસદમાં રજૂ થનારા ટોબેકો એન્ડ વેપ્સ બિલમાં વેપિંગ પરના નિયંત્રણો સામેલ કરાય તેવી સંભાવના છે. વ્હિટી પબ ગાર્ડનમાં પણ ધુમ્રપાન પર પ્રતિબંધની તરફેણ કરી રહ્યાં છે પરંતુ તેના માટે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.
પબ ગાર્ડનમાં ધુમ્રપાન પર પ્રતિબંધ મુદ્દે ઓગસ્ટમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. સરકાર તમાકુના ઉપયોગના કારણે થતા મોતની સંખ્યા ઘટાડવા માટે આ પગલાંઓની તૈયારી કરી રહી છે. એક અભ્યાસ અનુસાર ઇંગ્લેન્ડમાં 1 મિલિયન કરતાં વધુ લોકો વેપિંગ કરે છે. છેલ્લા 3 વર્ષમાં વેપિંગ કરનારાની સંખ્યામાં 7 ગણો વધારો થયો છે.