લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગંભીર બીમારીથી પીડાતા લોકોને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપતો ખરડો સંસદમાં રજૂ કરાયો છે. જોકે ઇચ્છા મૃત્યુનો વિરોધ કરતા ધાર્મિક આગેવાનોએ આ ખરડાની સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા રજૂ કરાયેલા ટર્મિનલી ઇલ એડલ્ટ્સ (એન્ડ ઓફ લાઇફ) ખરડા પર હાઉસ ઓફ કોમન્સના સભ્યોને કોઇ વ્હીપ નહીં અપાય અને તેઓ તેમની ઇચ્છા પ્રમાણે મુક્તપણે ખરડાની તરફેણ કે વિરોધમાં મતદાન કરી શકશે.
હાલના ખરડામાં કરાયેલી જોગવાઇ પ્રમાણે ઇચ્છા મૃત્યુ માટે સૌથી પહેલા તો દર્દીની વિનંતી જરૂરી બનશે અને તેને એક જજ તથા બે મેડિકલ પ્રોફેશનલની મંજૂરીની આવશ્યકતા રહેશે. આ કાયદો એવા બીમારોને જ ઇચ્છા મૃત્યુની પરવાનગી આપશે જેમની જિંદગીની સંભાવના 6 થી 12 મહિનાની જ હોય.
આ પહેલાં 2015માં પણ આ પ્રકારનો ખરડો રજૂ કરાયો હતો જેને હાઉસ ઓફ કોમન્સ દ્વારા નકારી કઢાયો હતો.
એકમાત્ર મુસ્લિમ મિનિસ્ટર ખરડાની વિરુદ્ધ મત આપશે
બ્રિટનના એકમાત્ર મુસ્લિમ કેબિનેટ મિનિસ્ટર શબાના માહમૂદે જણાવ્યું હતું કે, ઇસ્લામ વિરોધી હોવાના કારણે હું ગંભીર બીમાર લોકોને જીવનનો અંત લાવવાનો અધિકાર આપવાના ખરડા વિરુદ્ધ મત આપીશ. મેં 2015માં પણ આ ખરડાની વિરુદ્ધ મત આપ્યો હતો. એક મુસ્લિમ તરીકે હું માનવ જીવનની પવિત્રતા અને મૂલ્યમાં શ્રદ્ધા રાખુ છું.