લંડનઃ હોમ ઓફિસે રાજ્યાશ્રય વાંચ્છુઓની અટકાયત કરવા માટે દેશવ્યાપી અભિયાનની શરૂઆત કરી છે. યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની તૈયારીના ભાગરૂપે આ અભિયાનનો પ્રારંભ ધાર્યા કરતાં સપ્તાહો વહેલો થઇ ગયો છે.
બે સપ્તાહ ચાલનારા આ અભિયાનમાં હોમ ઓફિસના અધિકારીઓ ઇમિગ્રેશન સર્વિસની કચેરીઓ અથવા તો બેઇલ એપોઇન્ટમેન્ટ માટે આવતા નિરાશ્રીતોને ઝડપી લેવાની યોજના સાથે કામ કરી રહ્યાં છે. દેશભરમાંથી ગેરકાયદેસર રીતે યુકેમાં આવેલા લોકોને અટકાયતમાં લેવાની શરૂઆત કરી દેવાઇ છે.
હોમ ઓફિસના જણાવ્યા અનુસાર અટકાયતીઓને તાત્કાલિક આ અભિયાન માટે તૈયાર રખાયેલા ડિટેન્શન સેન્ટરોમાં મોકલી અપાશે અને તેમને રવાન્ડા મોકલી ન અપાય ત્યાં સુધી અહીં જ રખાશે. કેટલાક અટકાયતીઓને આ ઉનાળાથી જ રવાન્ડા મોકલવાનો પ્રારંભ કરી દેવાશે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, રવાન્ડા એક્ટનો અર્થ એ છે કે સરકાર ગેરકાયદેસર માઇગ્રેશન અને ઇંગ્લિશ ચેનલમાંથી આવતી હોડીઓને અટકાવવાની પોતાની નીતિ કાર્યરત કરવાના અંતિમ તબક્કામાં પહોંચી છે. રવાન્ડાની ફ્લાઇટો આગામી 10થી 12 સપ્તાહમાં શરૂ કરી દેવાશે અને તેની તૈયારીના ભાગરૂપે આ અટકાયત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વકીલો અને એક્ટિવિસ્ટોએ જણાવ્યું હતું કે, આ પ્રકારની અટકાયતોના કારણએ કાયદાકીય લડાઇઓનો પ્રારંભ થશે. સામુદાયિક વિરોધ પ્રદર્શનો અને પોલીસ સાથેની અથડામણોની ચેતવણી પણ તેમણે આપી હતી. સ્કોટલેન્ડમાં પોલીસને હાઇ એલર્ટના આદેશ અપાયાં છે. રેફ્યુજી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ એનવેર સોલોમને જણાવ્યું હતું કે, સરકાર તેની તિજોરી પર પડનારા ભાગે બોજા, અંધાધૂંધી અને માનવીય કરૂણાંતિકાની સંભાવનાઓ છતાં તેની અમાનવીય રવાન્ડા યોજનાનો અમલ કરવા ઉતાવળી બની છે.
રેફ્યુઝી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ એનેવર સોલોમને જણાવ્યુ હતું કે બ્રિટનની સુનાક સરકારે અમારી સાથે માણસો જેવો વ્યવહાર કરવો જોઇએ. અમે જાનવર નથી. સુનાકે સ્પષ્ટ કર્યું છે કે કોઇ પણ શરણાર્થી કોઇ પણ સંજોગોમાં બ્રિટન પરત ફરી શકશે નહીં. દરેક શરણાર્થી માટે રવાન્ડાને 63 લાખ રૂપિયા મળશે. તમામ દેશોમાં શરણાર્થીઓ માટે 18,900 કરોડ મળશે.
સુનાક સરકારની રવાન્ડા યોજના સામે હોમ ઓફિસમાં જ બળવાના એંધાણ
બીજીતરફ સુનાક સરકારની રવાન્ડા યોજના સામે હોમ ઓફિસના અધિકારીઓમાં જ રોષ પ્રવર્તી રહ્યો છે અને ઘણા કર્મચારીઓ રવાન્ડા યોજના અંતર્ગત સોંપાયેલી કામગીરીથી દૂર નાસી રહ્યાં છે. તેમનો આરોપ છે કે સરકારની યોજના સફળ થઇ શકે તેમ નથી. હોમ ઓફિસના રાજ્યાશ્રય વિભાગના મોટાભાગના કર્મચારીઓ અન્ય વિભાગોમાં બદલી કરાવવા અથવા તો સામુહિક રાજીનામા ધરી દેવાની વિચારણા કરી રહ્યાં છે.
હોમ ઓફિસ હજારો માઇગ્રન્ટ્સ સાથેનો સંપર્ક ગુમાવી બેઠી
રાજ્યાશ્રય વાંચ્છુઓએ રવાન્ડા યોજનાને સંસદની મહોર લાગ્યા બાદ રિપોર્ટિંગ કરવાનું બંધ કરી દેતાં હોમ ઓફિસ હજારો માઇગ્રન્ટ્સ સાથેનો સંપર્ક ગુમાવી બેઠી છે. હાલ હોમ ઓફિસ રવાન્ડા મોકલી શકાય તેવા ફક્ત 38 ટકા માઇગ્રન્ટ્સના જ સંપર્કમાં છે. ફક્ત 2145 માઇગ્રન્ટ્સ હોમ ઓફિસના સંપર્કમાં છે જેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી શકાશે.
સત્તામાં આવીશું તો રવાન્ડા પ્લાન નાબૂદ કરીશુઃ લેબર પાર્ટી
જો લેબર પાર્ટી આગામી ચૂંટણીમાં સત્તા પર આવશે તો વડાપ્રધાન રિશી સુનાક દ્વારા અમલી બનાવાયેલી રવાન્ડા ડિપોર્ટેશન સ્કીમને નાબૂદ કરશે. લેબર પાર્ટી અનુસાર સત્તામાં આવ્યાના પ્રથમ 100 દિવસમાં તેમની સરકાર ઇંગ્લિશ ચેનલ દ્વારા બ્રિટનમાં આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા નવા કાયદા ઘડી કાઢશે. સર કેર સ્ટાર્મરની લેજિસ્લેશન કમિટી આ નવા કાયદાઓ પર કામ કરી રહી છે.