લંડનઃ નવો કાયદો અમલમાં આવતાં જ હવે કસ્ટમર્સ દ્વારા અપાતી રોકડ અથવા કાર્ડ દ્વારા તમામ પ્રકારની ટીપ પર કર્મચારીઓનો અધિકાર રહેશે. કાયદા અંતર્ગત વ્યવસાયો કર્મચારીઓની ટીપ રોકી શકશે નહીં. નવા કાયદાના પગલે ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડના 3 મિલિયન કરતાં વધુ કર્મચારીઓને લાભ થશે.
જો કોઇ કંપની અથવા વ્યવસાય કાયદાનું ઉલ્લંઘન કરી ટીપની રકમ રોકી રાખશે તો કર્મચારી એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે. આ કાયદો તમામ ઇન્ડસ્ટ્રીમાં લાગુ થશે પરંતુ તેનો સૌથી વધુ લાભ રેસ્ટોરન્ટ, કાફે, બાર, પબમાં કામ કરતા કર્મચારીઓ અને હેર ડ્રેસર્સ અને ટેક્સી ડ્રાઇવરોને થશે. વ્યવસાયોએ ટીપની રકમ મળી હોય તે મહિનાના બીજા મહિનાના અંત સુધીમાં કર્મચારીઓને ચૂકવી દેવાની રહેશે. કર્મચારીઓએ અગાઉની જેમ ટીપની રકમ પર ટેક્સ ચૂકવવાનો રહેશે.
બ્લેક સોલિસિટર્સના પાર્ટનર ટોમ મોયેસે જણાવ્યું હતું કે, ટીપની રકમ મુદ્દે પારદર્શકતા લાવવા માટે આ કાયદો ઘડાયો છે. કર્મચારીઓ ટીપની રકમ કેવી રીતે વહેંચવામાં આવી તેની વિગતો પણ માગી શકશે.
બીજીતરફ નોર્ધન આયર્લેન્ડમાં આ કાયદાને અમલી બનાવાયો નથી ત્યારે કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યાં છે.