લંડનઃ કિર્તના બાલાચંદ્રન બાળક હતી ત્યારથી તેને દર ત્રણ સપ્તાહે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે જેથી તે જિવિત રહી શકે. હાલ તે 21 વર્ષની છે અને સેંકડો વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવી ચૂકી છે પરંતુ તેની નસોને નુકસાન પહોંચ્યું છે. પરંતુ હવે તે સોયની પીડા સહન કર્યા વિના તેની સારવાર પ્રાપ્ત કરી શકે છે. એનએચએસ દ્વારા જિન એડિટિંગ થેરાપીનો પ્રારંભ કરાયો છે.
કાસગેવી નામની આ સારવાર ક્રિસ્પર નામના જિન એડિટિંગ ટૂલ દ્વારા અપાય છે. તેના માટે જેનિફર ડૌડના અને ઇમેન્યુઅલ કાર્પેન્ટિયરને વર્ષ 2020માં રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત કરાયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સ દ્વારા તેની મંજૂરી અપાતા હવે એનએચએસના દર્દીઓ આ સારવાર મેળવનાર વિશ્વમાં પ્રથમ બની રહેશે. અસામાન્ય લોહીની ખામી ગણાતા ટ્રાન્સફ્યુઝન ડિપેન્ડન્ટ બિટા થેલેસેમિયા (ટીડીટી)થી પીડાતા 12 વર્ષથી વધુ વયના દર્દીઓને કાસગેવી સારવાર આપવાની ભલામણ કરાઇ છે. આ એક વારસાગત રોગ છે અને યુકેમાં દર વર્ષે તેના 800 દર્દી સામે આવે છે.