લંડનઃ આગામી સંસદની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરનારા વર્તમાન સાંસદોની સંખ્યા 119 પર પહોંચી ગઇ છે. ટોરી પૂર્વ વડાંપ્રધાન થેરેસા મે, લેબર નેતા હેરિયન હર્મન, મેટ હેનકોક, વરિષ્ઠ મંત્રી માઇકલ ગોવ, પૂર્વ ચાન્સેલર નદીમ ઝહાવી સહિતના ઘણા નેતાઓએ આગામી સંસદની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરનારા સાંસદોમાં બે તૃતિયાંશ સાંસદો કન્ઝર્વેટિવ પાર્ટીના છે. ટોરી પાર્ટીના 78 સાંસદોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. એવું પ્રતીત થઇ રહ્યું છે કે ડૂબતા જહાજમાંથી ટોરી સાંસદો પલાયન કરી રહ્યાં છે. તેનો અર્થ એ થયો કે 4 જુલાઇ પછી હાઉસ ઓફ કોમન્સમાં મોટી સંખ્યામાં નવા ચહેરા જોવા મળશે.
2010માં 100 લેબર સાંસદોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો
2010માં કુલ 149 સાંસદોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. 1997માં 117 સાંસદોએ ફરી ઉમેદવારી કરી નહોતી. 1997માં ટોની બ્લેર પ્રચંડ બહુમતી સાથે વિજેતા થયા હતા પરંતુ લેબર પાર્ટીના 13 વર્ષના શાસન બાદ 2010માં 100 લેબર સાંસદોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. 2010માં 35 કન્ઝર્વેટિવ સાંસદોએ પણ ચૂંટણી જંગમાં ફરીથી ઝૂકાવ્યું નહોતું.
કયા મહાનુભાવ ટોરી સાંસદો ચૂંટણી જંગમાંથી બહાર
માઇકલ ગોવ – મેટ હેનકોક – ક્વાસી ક્વારતેંગ – લિસા કેમેરન – આલોક શર્મા – બેન વોલેસ – ડોમિનિક રાબ – સાજિદ જાવિદ – થેરેસા મે – માઇક પેનિંગ – નદીમ ઝહાવી – ક્રિસ હીટન-હેરિસ