લંડનઃ દેશભરના ડેન્ટિસ્ટ્સ ભલામણ કરતાં હોવા છતાં દાંતનું ફ્લોસિંગ (સફાઈ) કરાવવાથી લાભ થવાનું હજુ સુધી પૂરવાર ન થયું હોવાનું બ્રિટિશ ડેન્ટલ એસોસિએશનના સાયન્ટિફિક એડવાઈઝર પ્રો. ડેમિયન વાલ્મ્સેએ તારણમાં જણાવ્યું હતું. ફ્લોસિંગથી ફાયદા અંગે કોઈ વૈજ્ઞાનિક પૂરાવા ન હોવાથી અમેરિકી સરકારે પણ તેની ભલામણ બંધ કરી દીધી હતી. યોગ્ય ટેક્નિકથી ફ્લોસિંગ ન કરાય તો પેઢાં અને દાંતને નુક્સાન પણ થઈ શકે.
બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રો.વાલ્મ્સેએ અભ્યાસ બાદ જણાવ્યું હતું કે યોગ્ય પૂરાવા મેળવવામાં મુશ્કેલી છે. જુદા જુદા લોકોનો મોટા પાયે અભ્યાસ કરવાનું ખૂબ ખર્ચાળ બને. જોકે, અભ્યાસ બાદ જ લાભની બાબતે સ્પષ્ટપણે હા અથવા ના કહી શકાય. બ્રિટિશ ડેન્ટલ એસોસિએશને જણાવ્યું હતું કે દાંત વચ્ચેની જગ્યા હોય તો તે સાફ કરવા માટે નાના બ્રશ સૌથી શ્રેષ્ઠ છે. દાંત વચ્ચે જગ્યા ન હોય તો ફ્લોસિંગનો કોઈ લાભ નથી. ગત દાયકામાં કરાયેલા ૨૫થી વધુ અભ્યાસના તારણમાં ફ્લોસિંગ માટેના પૂરાવા ‘નબળા’, ‘ખૂબ અવાસ્તવિક’ અને પૂર્વગ્રહિત જણાયા હતા.
ફ્લોસનું શ્રેય ડેન્ટિસ્ટ લેવી સ્પીયર પાર્મલીના ફાળે જાય છે. તેમણે ૧૯મી સદીના પ્રારંભમાં તેની શોધ કરી હતી અને ૧૮૭૪ સુધીમાં તો ડેન્ટિસ્ટ્સ મોટા પાયે તેના ઉપયોગની ભલામણ કરતા થયા હતા.