નવી દિલ્હીઃ દિલ્હીમાંથી રૂપિયા 5000 કરોડનું 500 કિ.ગ્રા. કોકેઇન ઝડપાયાના કેસના તાર યુકે સુધી પહોંચી રહ્યાં છે. સ્પેશિયલ સેલના પોલીસ અધિકારીઓએ પંજાબના અમૃતસરના એરપોર્ટ પરથી જિતેન્દ્રપાલ સિંહ ઉર્ફે જસ્સીની ધરપકડ કરી હતી. જસ્સી યુકે નાસી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે દર્શાવે છે કે ભારતમાં ડ્રગ્સની દાણચોરીના નેટવર્કના તાણાવાણા યુકે સુધી પહોંચી રહ્યાં છે.
જિતેન્દ્રપાલ સિંહ છેલ્લા 17 વર્ષથી યુકેમાં પર્મેનેન્ટ રેસિડેન્સી પર વસવાટ કરી રહ્યો છે. પોલીસે તેના વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો જેના પગલે તેને એરપોર્ટ પરથી જ ઝડપી લેવાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય નાગરિક એવો જસ્સી ભારતમાં ડ્રગ કાર્ટેલના ઓપરેશનની દેખરેખ રાખવા માટે લંડનથી ભારત પહોંચ્યો હતો. દિલ્હીમાં પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી લીધા બાદ તે લંડન પરત જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ ઝડપી લેવાયો હતો.
પોલીસનું માનવું છે કે આ ડ્રગ સિન્ડિકેટ દિલ્હી અને મુંબઇ ઉપરાંત દુબઇ સાથે પણ કડીઓ ધરાવે છે. દુબઇથી આ ગેંગનું સંચાલન વિરેન્દ્ર બસોયા નામનો વ્યક્તિ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.