લંડનઃ બ્રિટિશ કલ્ચરમાં 17મી સદીથી પ્રચલિત એવી કરી યુકેમાં ખવાતી સૌથી લોકપ્રિય ડીશ છે. એક અંદાજ પ્રમાણે યુકેમાં 12,000 ભારતીય રેસ્ટોરન્ટ આવેલી છે. લંડન તેના ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી કરી હાઉસ માટે મશહૂર છે.
યુકેમાં 1998થી નેશનલ કરી વીકની ઉજવણી કરવામાં આવે છે. ફૂડ જર્નાલિસ્ટ પીટર ગ્રુવ દ્વારા તેનો પ્રારંભ કરાયો હતો. આ ઉજવણી દરમિયાન ચેરિટી માટે ભંડોળ પણ એકઠું કરાય છે. આ વર્ષે દેશમાં 7થી 11 ઓક્ટોબર વચ્ચે નેશનલ કરી વીકની ઉજવણી કરાઇ હતી.
ઉજવણીમાં ભાગ લેવા કરી પ્રેમીઓને નેશનલ કરી વીકની વેબસાઇટ દ્વારા કરી હાઉસની મુલાકાત લેવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, સંસ્થા દ્વારા નેશનલ કરી વીક રેસિપી બુક પણ પ્રસિદ્ધ કરાઇ હતી. જેમાં યુકેના રેસ્ટોરન્ટોમાં મળતી કરી રેસિપી પ્રસિદ્ધ કરાઇ હતી.