લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીની થિન્ક ટેન્ક દ્વારા નેટ ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા સ્ટુડન્ટ વિઝામાં કાપ મૂકવાની ભલામણ કરાઇ છે. રિપોર્ટમાં જણાવવામાં આયું છે કે દેશની શ્રેષ્ઠ કામગીરી કરતી યુનિવર્સિટીઓને જ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પરવાનગી અપાવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે યુકેમાં દર વર્ષે નેટ ઇમિગ્રેશન દ્વારા લાખો વિદેશીઓ આવી રહ્યાં છે.
થિન્ક ટેન્કે જણાવ્યું હતું કે, હાલમાં દર વર્ષે 7 લાખ કરતાં વધુ વિદેશી નેટ ઇમિગ્રેશન દ્વારા યુકેમાં આવી રહ્યાં છે. જેના કારણે યુકેની જનતાને નુકસાન થઇ રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વિઝા મેળવીને બ્રિટનમાં પ્રવેશતા લાખો વિદેશીઓ કાયમી રહેવાસી બનવા માટે રાજ્યાશ્રયના દાવા કરી રહ્યાં છે.
થિન્ક ટેન્કે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે વિદેશી કામદારો, વિદ્યાર્થીઓ અને વિઝિટર્સ બેક ડોર રૂટનો દુરુપયોગ કરી રહ્યાં છે. ગયા વર્ષે વિઝાધારકો દ્વારા રાજ્યાશ્રય માટે 21,525 દાવા કરાયાં છે જે તેના અગાઉના વર્ષ કરતાં 154 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા એક દાયકામાં વિઝા મર્યાદા સાથે બ્રિટનમાં પ્રવેશની પરવાનગી મેળવનારા 1,02,000 કરતાં વધુ વિદેશીઓએ રાજ્યાશ્રય માટે અરજી કરી છે. પૂર્વ ટોરી મંત્રી નીલ ઓબ્રાયને જણાવ્યું હતું કે, આ આંકડા ઘણા ચોંકાવનારા છે. તે ઉપરાંત વરિષ્ઠ ટોરી નેતા માઇકલ ગોવે રિપોર્ટની ભલામણો સ્વીકારી લેવા અપીલ કરી છે.
સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં 4,86,000 વિદેશી વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા જારી કરાયાં હતાં. તેમની સાથે 1,52,980 વિઝા તેમના જીવનસાથી અથવા પરિવારજનોને જારી કરાયાં હતાં. રિપોર્ટમાં ગ્રેજ્યુએટ વિઝા નાબૂદ કરવા, ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને બહુ ઓછી છૂટછાટ આપવા અને શ્રેષ્ઠ કામગીરી કરતી યુનિવર્સિટીઓને પીએચડીના વિદ્યાર્થીઓ માટે સ્પોન્સર વિઝાની પરવાનગી આપવાની ભલામણ કરાઇ છે. થિન્ક ટેન્કે લઘુત્તમ પગાર મર્યાદા વધારવા અને વિઝા મર્યાદાનો અમલ કરવાની પણ ભલામણ કરી છે.
માઇગ્રન્ટ્સની સંખ્યા સંસદ દ્વારા નિશ્ચિત કરવા માગ
પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે, નેટ માઇગ્રેશન ઘટાડવા માટે બ્રિટન આવતા માઇગ્રન્ટ્સની સંખ્યા સંસદ દ્વારા નિશ્ચિત કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, સરકારે માઇગ્રેશન બજેટ નક્કી કરવું જોઇએ જેથી કુલ માઇગ્રેશન પર મર્યાદા લાદી શકાય અને કેટલા લોકો વિઝા રૂટ દ્વારા બ્રિટન આવી શકે તે નક્કી કરી શકાય.