લંડનઃ લેબર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા કાયદાઓ અંતર્ગત બ્રિટનના 7 મિલિયન કરતાં વધુ નોકરીયાતોને નોકરીના પ્રથમ દિવસથી જ સિક પે, મેટરનિટી પેના અધિકાર અને અન્યાયી રીતે નોકરીમાંથી હાંકી કાઢવા સામે સંરક્ષણ પ્રાપ્ત થશે. નોકરીયાતોને વધુ સુરક્ષા આપવાના ઇરાદા સાથે લેબર સરકાર દ્વારા કામદારોના અધિકારો પર આગામી ગુરુવારે મોટી જાહેરાત કરાશે.
બિઝનેસ લીડર્સ સાથેની ચર્ચા બાદ સરકારે રાઇટ ટુ સ્વીચ ઓફ સહિતના સુધારાના મહત્વના પાસાઓમાં છૂટછાટની ઓફર આપી છે. સરકાર દ્વારા કરાયેલા મહત્વના બદલાવમાં માંદગીના પ્રથમ દિવસથી જ કર્મચારીને સિક પેનો અધિકાર અપાશે. હાલમાં કર્મચારીને માંદગીના ચોથા દિવસ સુધી સિક પે મળવાપાત્ર નથી.
મહિલા કર્મચારીઓ 6 મહિના થવાની રાહ જોયા વિના નોકરીના પ્રથમ દિવસથી જ મેટરનિટી પેનો અધિકાર મેળવશે. પિતાઓને પણ પેટરનિટી પેના અધિકાર અપાશે. તે ઉપરાંત પ્રોબેશન પીરિયડ હાલના બે વર્ષથી ઘટાડીને 6 મહિનાનો કરાશે. જોકે પ્રોબેશન પીરિયડમાં સંતોષકારક કામગીરી ન કરનાર કર્મચારીને હાંકી કાઢવાનો અધિકાર બોસને અપાશે.
રાઇટ ટુ સ્વીચ ઓફનો અધિકાર – સરકારની પીછેહઠ
સરકારે રાઇટ ટુ સ્વીચ ઓફનો અધિકાર આપવાની યોજનામાં પીછેહઠ કરી લીધી છે. સરકારે વિદેશોમાં અમલી પદ્ધતિ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. તેના સ્થાને સરકાર કંપનીઓને કાયદાકીય ફરજ પાડવાને બદલે પોતાના નિયમો તૈયાર કરવા પ્રોત્સાહન આપશે.
કર્મચારીઓના અધિકારોમાં આવી રહેલા બદલાવ
સિક પે
હાલમાં 3 દિવસ સુધી માંદગી હોય તો કર્મચારીને 28 સપ્તાહ સુધી પ્રતિ સપ્તાહ 116.75 પાઉન્ડ પગારનો અધિકાર છે પરંતુ 123 પાઉન્ડ પ્રતિ સપ્તાહથી ઓછી આવક ધરાવતા કર્મચારી તેના માટે યોગ્ય નથી પરંતુ હવે પછી તમામ કર્મચારીઓ માંદગીના પહેલા જ દિવસથી કોઇપણ પગારમર્યાદા વિના સિક પેનો અધિકાર ધરાવશે.
ઝીરો અવર કોન્ટ્રાક્ટ
હાલમાં નોકરીદાતા કલાકોની બાંયધરી વિના જ કોન્ટ્રાક્ટ માટે કહી શકે છે અને કર્મચારી બોસના આદેશ પ્રમાણે જ કામ કરી શકે છે પરંતુ હવે આ પ્રકારના કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ આવી જશે. કર્મચારીઓને તેમની ઇચ્છા પ્રમાણેના કલાકોમાં કામ કરવાની છૂટછાટ પર વિચારણા ચાલી રહી છે.
મેટરનિટી લીવ અને પે
હાલમાં ઓછામાં ઓછા 26 સપ્તાહ કામ કરનાર અ 123 પાઉન્ડ પ્રતિ સપ્તાહથી વધુ આવક ધરાવતી મહિલા કર્મચારી જ મેટરનિટી લીવ અને પેની અધિકારી છે પરંતુ હવે પછી તમામ મહિલા કર્મચારીને નોકરીના પ્રથમ દિવસથી 52 સપ્તાહની મેટરનિટી લીવ અને પે માટેનો અધિકાર મળશે.