ન્યૂ યોર્ક: અમેરિકામાં વધુ એક ગુજરાતી પર વંશીય હુમલાની ઘટના બહાર આવી છે. ન્યૂ જર્સીના નોર્થ બર્ન્સવીકમાં વોક લેવા નીકળેલા રોહિત પટેલ હુમલાનો ભોગ બન્યા છે. પોલીસે હુમલાખોરને પકડી તો પાડ્યો હતો, પણ તેને ગણતરીના કલાકોમાં જામીન મળી ગયા હતા. હુમલાની આ ઘટનાથી અમેરિકાવાસી ભારતીય સમુદાયમાં નારાજગી સાથે ચિંતાની લાગણી પ્રસરી છે.
હુમલાનો ભોગ બનેલા રોહિતભાઇ પટેલ તેમના પત્ની સાથે ગયા મે મહિનામાં જ યુકેથી અમેરિકા આવ્યા છે. હવે તેઓ યુકે પરત જવાનું વિચારી રહ્યા છે.
૫૭ વર્ષના રોહિત પટેલ ન્યૂ જર્સીના નોર્થ બર્ન્સવીકમાં ગયા અઠવાડિયે હાર્ટલેન્ડ કોમન્સ વિસ્તારમાં ચાલવા ગયા હતા, ત્યારે તેમના ઉપર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. રોહિતભાઇ વોક કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરે તેમની પાસે કાર અટકાવી હતી. તે કારમાંથી બહાર નીકળ્યો હતો અને તેમની પાછળ ચાલવા માંડ્યો હતો. એકાદ મિનિટ બાદ તેણે રોહિતભાઇ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રોહિતભાઇને કપાળ, નાક તથા દાંતમાં ઈજાઓ પહોંચી છે અને સ્ટિચિસ લેવા પડ્યા છે. હુમલાખોરનું નામ નેઇલ કિલગોર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
હુમલાનો ભોગ બનેલા રોહિતભાઇએ આપેલા વર્ણનના આધારે પોલીસે આજુબાજુના વિસ્તારમાં આરોપીની તપાસ હાથ ધરી હતી. સીબીએસ ન્યૂ યોર્કે પોલીસ સૂત્રોને ટાંકતા જણાવ્યું હતું કે હુમલાખોરનું નામ નીલ કિલગોર છે, જેની વય ૨૪ વર્ષની છે. હુમલાખોરને ધરપકડના ગણતરીના કલાકોમાં જ જામીન મળી ગયા હતા.
નીલ પણ નોર્થ બર્ન્સવીકનો રહેવાસી છે. નજીકના ગવર્ન્સ પોઈન્ટ તથા ન્યૂ ઓક કોલોનીમાં પણ તે કેટલાક હુમલાઓમાં સંડોવાયેલો છે. આ અંગે તેનો સંપર્ક સાધવાના સ્થાનિક મીડિયાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે, રોહિત પટેલ ભારતીય હોવાથી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ન્યૂ જર્સી વિસ્તારમાં ભારતીય મૂળના અનેક લોકો પર હુમલાની ઘટના બની છે.
એક દૈનિકના અહેવાલમાં રોહિતભાઇના પુત્ર દીપેન પટેલને ટાંકીને જણાવાયું હતું, ‘મારા પિતા અત્યંત ભયભીત છે. હવે તેઓ ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે. તાજેતરમાં થયેલા અનેક હુમલાઓને કારણે ભારતીયો ઘરની બહાર નીકળતા ડરે છે.’ પોલીસને પણ આશંકા છે કે આવી અનેક વણનોંધાયેલી ઘટનાઓ હોઈ શકે છે.
દીપેન પટેલે સીબીએસને આપેલા ઈન્ટરવ્યુને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું, ‘મારા પિતા ભાંગી પડ્યા છે. તેઓ માત્ર ડેઈલી વોક પર નીકળ્યા હતા. અમારો પરિવાર ભારે તણાવ અને ભય હેઠળ છે.’ હુમલાખોરને તત્કાળ મળી ગયેલા જામીન સામે સવાલ ઉઠાવતા દીપેને પૂછ્યું હતું, ‘જે માણસ સતત વંશીય હુમલાઓમાં સંડોવાયેલો હોય, હિંસક વંશીય હુમલા કરી રહ્યો હોય તેને એ રાત્રે જ જામીન કેવી રીતે મળી શકે?’