લંડનઃ યુકેમાં ફાર રાઇટ્સ રમખાણો બાદના પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં કિંગ ચાર્લ્સે જનતાને પરસ્પર સન્માન અને સમજણ કેળવવાની અપીલ કરી છે. બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં શાંતિની પુનઃસ્થાપના માટે પોલીસ અને ઇમર્જન્સી સેવાઓ દ્વારા કરાયેલી કામગીરી માટે કિંગ આભાર માને છે. કિંગ આશા રાખે છે કે દેશને એકજૂથ અને મજબૂત બનાવવા માટે પરસ્પર સન્માન અને સમજણની જાળવણી કરાશે.
કિંગ ચાર્લ્સે રમખાણોની સામે એકજૂથ થયેલા સમુદાયોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન સ્ટાર્મર અને અગ્રણી પોલીસ અધિકારીઓ સાથેની ટેલિફોનિક વાતચીતમાં કિંગે જણાવ્યું હતું કે, કેટલાક તોફાની તત્વો દ્વારા કરાયેલા અપરાધોની સામે બ્રિટિશ સમુદાયોએ આપેલા દયા અને સહિષ્ણુતાના પ્રત્યાઘાતથી હું ઘણો પ્રોત્સાહિત થયો છું.
તેમણે આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું પણ આશ્વાસન આપ્યું હતું. તેમણે વડાપ્રધાન અને અગ્રણી પોલીસ અધિકારીઓ પાસેથી વર્તમાન સ્થિતિની જાણકારી પ્રાપ્ત કરી હતી.