લંડનઃ જાણીતી બેકરી ચેઇન પેટિસ્સેરી વેલેરી પડી ભાંગવા પાછળ લેસ્ટરના વતની અને કંપનીના ફાઇનાન્સિયલ કન્ટ્રોલ પ્રીતેશ મિસ્ત્રી પર ફ્રોડના આરોપ મૂકાયા છે. જોકે મિસ્ત્રીએ તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા છે. પ્રીતેશ મિસ્ત્રી કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર ક્રિસ્ટોફર માર્શના નેજા હેઠળ કામ કરતા હતા. માર્શ પર પણ ફ્રોડના આરોપ મૂકીને ધરપકડ કરાઇ છે. માર્શની પત્ની એકાઉન્ટન્ટ લૂઇસ માર્શ અને ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ નિતેશ લાડ પર પણ સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા આરોપ મૂકાયા છે. ચારેયને ગયા સપ્તાહમાં સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં રજૂ કરાયાં હતાં. એસએફઓએ આરોપ મૂક્યો છે કે આ ચારેયે કંપનીની બેલેન્સ શિટમાં ગોટાળા કરીને ફ્રોડ આચર્યું છે.