લંડનઃ આગામી ઉનાળાથી પ્લાસ્ટિક ધરાવતા વેટ વાઇપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે. નદીઓ અને દરિયા કિનારાઓ પર માઇક્રો પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે સરકાર આ માટે નવો કાયદો લાવશે. લેબર પાર્ટીએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો તે સત્તા પર આવશે તો પ્લાસ્ટિક વેટ વાઇપ્સના ઉત્પાદન પર જ રોક લગાવી દેશે. તેનો અર્થ એ થયો કે ભલે ગમે તે પાર્ટી સત્તામાં આવે પરંતુ યુકેના માર્કેટમાંથી વેટ વાઇપ્સ અદ્રશ્ય થઇ જશે.
પર્યાવરણ મંત્રી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક ધરાવતા વેટ વાઇપ્સ આપણી નદીઓ અને જળાશયોને પ્રદૂષિત કરી રહ્યાં છે. તેના કારણે પર્યાવરણમાં માઇક્રો પ્લાસ્ટિક ફેલાઇ રહ્યાં છે. અમે પ્રદૂષણ ફેલાવતા આ બિનજરૂરી ઉત્પાદન પર રોક લગાવવા ઉનાળા પહેલાં સંસદમાં ખરડો દાખલ કરીશું.
સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પ્લાસ્ટિક વેટ વાઇપ્સ પર પ્રતિબંધની વિચારણા કરી રહી હતી અને તાજેતરના સરવેમાં જાણવા મળ્યું હતું કે, 95 ટકા લોકો આ પ્રતિબંધની તરફેણ કરી રહ્યાં છે. બાર્કલેએ જણાવ્યું હતું કે, આપણા જળમાર્ગોને પ્રદૂષણથી મુક્ત રાખવા માટે પગલાં લેવાં જરૂરી છે. એકવાર આ ખરડો પસાર થઇ જતાં સંપુર્ણ પ્રતિબંધ 18 મહિનામાં લાગુ કરી દેવાશે.