બનાવટી સ્ટેમ્પ માટે વસૂલાતી પેનલ્ટી રોયલ મેઇલે સ્થગિત કરી

જુલાઇ સુધી નકલી સ્ટેમ્પ માટે 5 પાઉન્ડની પેનલ્ટી નહીં વસૂલાય

Tuesday 30th April 2024 11:53 EDT
 
 

લંડનઃ રોયલ મેઇલે કથિત બનાવટી સ્ટેમ્પ પર વસૂલાતી પેનલ્ટી લેવાનું અટકાવી દીધું છે. રોયલ મેઇલને એ પણ જાણ નથી કે તેની ઇન્ટરનલ સિસ્ટમમાં ખામી છે કે કેમ. રોયલ મેઇલ હવે તેની નવી બાર કોડેડ સ્ટેમ્પની તપાસ કરી રહી છે. રોયલ મેઇલ દ્વારા જુલાઇ મહિના સુધી આ પેનલ્ટી લેવાનું બંધ કરાયું છે.

રોયલ મેઇલ હવે બનાવટી લાગતી સ્ટેમ્પ ધરાવતા લેટર્સ ટપાલ મોકલનારને પરત કરશે અથવા તો યલો સ્ટીકર લગાવીને ડિલિવર કરશે. લેટર મેળવનાર વ્યક્તિને કોઇપણ પ્રકારની પેનલ્ટી ચૂકવવી નહીં પડે.

જુલાઇ 2023માં નવી બાર કોડેડ સ્ટેમ્પ અમલી બનાવ્યા બાદ રોયલ મેઇલની તાજેતરના મહિનાઓમાં બનાવટી સ્ટેમ્પના નામે ગ્રાહકો પાસેથી પેનલ્ટી ઉઘરાવવા માટે આકરી ટીકા થઇ રહી હતી. ઓક્ટોબર મહિનામાં રોયલ મેઇલે પેનલ્ટીની રકમ 2.50 પાઉન્ડથી વધારીને 5 પાઉન્ડ કરી દેતાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો હતો. ગ્રાહકોનો આરોપ હતો કે પોસ્ટ ઓફિસ કાઉન્ટર પરથી સ્ટેમ્પ ખરીદવા છતાં તેને નકલી ગણાવીને પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે.

આ મામલામાં તપાસ કરવાનો રોયલ મેઇલ દ્વારા સતત ઇનકાર થઇ રહ્યો હતો. રોયલ મેઇલ સતત તેની નકલી સ્ટેમ્પ શોધી કાઢવાની સિસ્ટમને સુરક્ષિત અને સચોટ ગણાવી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter