લંડનઃ આરોગ્યના કારણોસર ૧૬ વર્ષથી નીચેના બાળકોને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અભ્યાસજૂથે સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં ૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ ૨૩૫ મિલિયન લિટરથી ૧૫૫ ટકા વધીને ૬૦૦ મિલિયન લિટર થયો છે. એક અભ્યાસ અનુસાર એનર્જી ડ્રિન્ક્સને વિવિધ આરોગ્ય સમસ્યાઓ, ભારે શરાબપાન, જોખમી વર્તણૂક અને ડ્રગ્સના ઉપયોગ સાથે સાંકળવામાં આવે છે.
સિટી યુનિવર્સિટી લંડન ખાતે સેન્ટર ફોર ફૂડ પોલિસીની પહેલ ફૂડ રિસર્ચ કોલબરેશન દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં એનર્જી ડ્રિન્ક્સને માથા અને પેટમાં દુઃખાવા અને અનિદ્રાની સમસ્યાઓ સાથે સાંકળતા સમીક્ષારુપ પુરાવાઓ હાંસલ થયાં છે, જ્યારે યુએસમાં ૨૦૦૭થી ૨૦૧૧ વચ્ચેના ગાળામાં એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ ૨૩૫ મિલિયન લિટરથી વધીને ૬૦૦ મિલિયન લિટર થયો છે. ડરહામ યુનિવર્સિટીના ડો. શેલિના વિસ્રામ અને હેલ્થ ચેરિટી એક્શન ઓન સુગરના કોથર હાશેમ દ્વારા લિખિત અભ્યાસ પેપરમાં જણાવાયું છે કે બાળકોમાં એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ વધી રહ્યો છે અને ૨૦૧૯ સુધીના પાંચ વર્ષમાં ૧૦-૧૪ વયજૂથના બાળકોમાં તે ૧૧ ટકા વધવાની ધારણા છે.
યુકે સહિત ૧૬ યુરોપિયન દેશોને સાંકળતા સર્વેમાં જણાયું હતું કે ૧૧-૧૮ વયજૂથના ૬૮ ટકા તેમજ ૧૦ અને તેથી ઓછી વયના ૧૮ ટકા બાળકો એનર્જી ડ્રિન્ક્સનો ઉપયોગ કરે છે. વધુ વયના ૧૧ ટકા અને બાળકોમાં ૧૨ ટકા તો એક જ બેઠકે ઓછામાં ઓછું એક લિટર એનર્જી ડ્રિન્ક પી જાય છે. એનર્જી ડ્રિન્ક્સમાં સુગર અને કેફિનના અતિ ઊંચા પ્રમાણ એકબીજા સાથે અને અન્ય ઉત્તેજક ઘટકો સાથે કેવી રીતે અરસપરસ સંયોજિત થાય છે તેના વધુ સંશોધનની જરૂર હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. બજારમાં પોપ્યુલર બ્રાન્ડના એનર્જી ડ્રિન્ક કેનમાં ૧૬૦ મિ.ગ્રા. જેટલું કેફિન હોય છે, જ્યારે યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી ૧૧ વર્ષનો બાળક દિવસમાં ૧૦૫ મિ.ગ્રા.થી વધુ કેફિન લેવું ન જોઈએ તેવી ભલામણ કરે છે.