લંડનઃ બીબીસી ટીવીના જીવંત પ્રસારણ દરમિયાન ગુજરાતી પત્રકાર સીમા કોટેચા, કાર્યક્રમના ગેસ્ટ અને તેમના ક્રુ મેમ્બર્સ સાથે અપમાનજનક વંશીય દુર્વ્યવહાર થતાં પ્રસારણ અધવચ્ચે અટકાવી દેવાની ફરજ પડી હતી.
સીમા કોટેચા લેસ્ટર સિટી સેન્ટર ખાતે રવિવારે રાત્રે વડા પ્રધાનના લોકડાઉન અંગેના નિવેદન સંદર્ભે લોકોના પ્રતિભાવ જાણી રહ્યાં હતાં તે સમયે આ ઘટના બની હતી.
આ ઘટના લેસ્ટરની શેરીમાં બની હતી. તે સમયે સીમા કોટેચા, ગેસ્ટ અને ક્રૂ સાથે વંશીય અને અપમાનજનક દુર્વ્યવહાર થતાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું હતું. બીબીસી દ્વારા આ ઘટના અંગે પોલીસને ફરિયાદ કરાઈ હતી અને તપાસ શરૂ કરી દેવાઈ છે. આ સંદર્ભે એક વ્યક્તિની મધરપકડ પણ કરવામાં આવી છે.
સીમા કોટેચા અને કોરોના વાઇરસ બીમારીમાંથી સાજા થયેલાં જૂનિયર તબીબ પ્રિયા જેકબ સાથેની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાનું જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું. મિસ જેકબે બીબીસી રેડિયો લેસ્ટરને જણાવ્યું હતું કે, ‘બ્રોડકાસ્ટ માટેની તૈયારી પૂર્ણ કરાઈ રહી હતી ત્યારે જ કેટલાક લોકોએ અમારા નામોલ્લેખ સાથે અપમાનજનક ટીપ્પણીઓ કરવા માંડી હતી. તેમણે બધા ક્રુ મેમ્બર્સ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ખરેખર ખરાબ વર્તન હતું આથી અમારે સ્થળ છોડી નિકળી જવાની ફરજ પડી હતી. તેઓ પ્રસારણ થવા દેવા જ માગતા ન હતા.’ સીમા કોટેચાએ ઉમેર્યું હતું કે ‘મને ભારે રોષ ચડ્યો હતો. રાષ્ટ્રીય કટોકટીનો અહેવાલ પ્રસારિત કરવા સમયે આ ખરાબ અવરોધ હતો. અમારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું અને આ લોકો અમારી પાછળ આ રીતે દુર્વ્યવહાર કરી રહ્યાં હોવાથી અમારે સમગ્ર કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.’
બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા કોઇ પણ કર્મચારી સાથે રંગભેદ કે ખરાબ વર્તનની ઘટના સાંખી નહિ લેવાય અને સમગ્ર મામલાની ગંભીર તપાસ માટે રજુઆત કરાઈ છે. લેસ્ટરશાયર પોલીસે આ ઘટનાની તપાસ ચાલતી હોવાની વાતને સમર્થન આપી કોઇ પણ સંજોગોમાં આ પ્રકારની વંશીય સતામણી સહન કરાશે નહિ તેમ પણ સ્પષ્ટ કર્યું હતું.