લંડનઃ સરકારે જણાવ્યું છે કે બેન્કોને ફ્રોડની તપાસ માટે વધુ સમય મળી રહે તે માટે પેમેન્ટ ચાર દિવસ સુધી અટકાવી રાખવાની સત્તા અપાશે. હાલમાં પેમેન્ટ ટ્રાન્સફર બીજા બિઝનેસ ડેના અંત સુધીમાં પ્રોસેસ કરી દેવા અથવા નકારી કાઢવાનો નિયમ છે. નવા કાયદાને પગલે બેન્કોને વધારાના 3 દિવસ મળી રહેશે.
વર્ષોથી બેન્કોને તપાસ કરી શકાય તે માટેના શંકાસ્પદ ફ્રોડના વ્યાજબી કારણોની જરૂરીયાત રહે છે પરંતુ તાત્કાલિક પેમેન્ટ ઇચ્છતા ગ્રાહકો તરફથી દબાણનો સામનો પણ કરવો પડે છે. ઓક્ટોબરના અંતથી લાંબા સમયથી પ્રસ્તાવિત રેગ્યુલેશનો અમલમાં આવી જશે.
દેશમાં ફ્રોડ અત્યંત સામાન્ય અપરાધ બની ગયાં છે. ઇંગ્લેન્ડ અને વલેલ્સમાં નોંધાતા અપરાધોમાં 33 ટકા ફ્રોડના અપરાધ હોય છે. અપરાધીઓ દ્વારા સ્કેમના માધ્યમથી અત્યાર સુધીમાં ઘણા બિલિયન પાઉન્ડનો ચૂનો લગાવવામાં આવ્યો છે.
ટ્રેઝરીના ઇકોનોમિક સેક્રેટરી તુલિપ સિદ્દિકીએ જણાવ્યું હતું કે, આપણે જનતાને ફ્રોડ સામે સારી રીતે રક્ષણ આપવું જોઇએ. તેથી અમે શંકાસ્પદ પેમેન્ટની તપાસ માટે વધુ સમય આપવા ઇચ્છીએ છીએ. જેથી સ્કેમર્સના નેટવર્કને તોડી શકાય.