લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘સ્ટે એલર્ટ- કન્ટ્રોલ ધ વાઈરસ – સેવ લાઈવ્ઝ’નું નવું સૂત્ર આપ્યું છે તેની ઘણા લોકોએ ટીકા કરી છે. જોકે, મારા મતે આ સૂત્ર પરફેક્ટ છે! લોકડાઉન હળવું કરવાની બાબત કદી સરળ રહેવાની નથી. ‘ઘરમાં જ રહો’ની સૂચના સીધી સાદી હતી અને તે સમય માટે બરાબર હતી. પરંતુ, આ હંમેશાં યથાવત રહે તે શક્યતા પણ ન હતી. હવે તેના બદલે અપાયેલી ‘સ્ટે એલર્ટ’ સૂચના વધુ સ્પષ્ટ, સંક્ષિપ્ત અને વ્યવહારુ છે. માત્ર તેને બરાબર સમજવાની જરુર છે.
એમ જણાય છે કે સરકાર સામાન્ય બ્રિટિશ જનતાને આવશ્યકતાથી વધુ યશ આપી રહી છે. તે આશા રાખે છે કે તેઓ પોતાના દૈનિક જીવનમાં સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરશે. ટુંકમાં આ સંદેશો સ્પષ્ટ છે કે,‘તમને જે ગમે તે કરો, જે રીતે કરવું હોય તેમ કરો અને ગમે ત્યારે કરો પરંતુ, આ તમામ સમય સાવધાની રાખજો, સતર્ક રહેજો.’
તમારી રોજબરોજની પ્રવૃત્તિઓમાં ડહાપણ જાળવી રાખશો તો વાઈરસને નિયંત્રણ હેઠળ રાખવામાં મદદ મળશે અને જીવન બચાવી શકાશે. આટલી સીધી વાત છે!
એ સમજાતું નથી કે આટલા સીધા સાદા પરંતુ, અસરકારક સંદેશાની આટલી બધી ટીકા શા માટે થઈ રહી છે?