લંડનઃ યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યા અને કોરોના મહામારી બાદ બ્રિટનમાં અડધો મિલિયન નાના બિઝનેસ બંધ થઇ ગયાં છે. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે જણાવ્યું છે કે જાન્યુઆરી 2024 સુધીના છેલ્લા એક વર્ષમાં પ્રાઇવેટ સેક્ટરના બિઝનેસ 56,000 ઘટીને 5.5 મિલિયન પર આવી ગયાં છે. 2020ના પ્રારંભે બિઝનેસની સંખ્યા 6 મિલિયન પહોંચ્યા બાદ બિઝનેસમાં કુલ 5,00,000નો ઘટાડો થયો છે.
બિઝનેસમાંથી સ્વરોજગાર પ્રાપ્ત કરનારા લોકોના પલાયન અને એક વ્યક્તિ દ્વારા સંચાલિત કંપનીઓમાં ઘટાડો આ માટે મુખ્યત્વે જવાબદાર છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંખ્યામાં 11 ટકા સુધીનો ઘટાડો થયો છે.
કોરોના મહામારીના પ્રથમ લોકડાઉન દરમિયાન સ્વરોજગાર મેળવનારાને ધીમી સહાય, કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા, એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સ દ્વારા આઇઆર 35 નિયમો અંતર્ગત કરાયેલી કાર્યવાહીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
છેલ્લા 18 મહિનામાં કોરોના મહામારીની અસરો અને મોટી સંખ્યામાં નાદારી છતાં કર્મચારીઓ ધરાવતા બિઝનેસોની સંખ્યામાં 2020થી 2024 વચ્ચે વધારો થયો છે. 250થી વધુ કર્મચારીઓને રોજગાર આપતા બિઝનેસની સૌથી જઢપી વૃદ્ધિ થઇ છે.
ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસના પોલિસી અધ્યક્ષ ટીના મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, આંકડા હતાશાજનક છે. આર્થિક વૃદ્ધિ અને ઉદ્યોગ સાહસિકતા પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અઢી લાખ જેટલાં નાના બિઝનેસ બંધ થઇ ગયાં છે તેનો અર્થ એ કે અઢી લાખ વેલ્થ ક્રિએશન યુનિટ બંધ થયાં છે. તેના કારણે સ્થાનિક નોકરીઓ ગૂમ થઇ છે.
બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે જણાવ્યું હતું કે, પ્રાઇવેટ બિઝનેસમાં ઘટાડો બતાવે છે કે હજુ ઘણા બિઝનેસ પડકારજનક આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.