લંડનઃ એક અહેવાલ અનુસાર બ્રિટિશ બાળકો આળસુના પીર બની ગયાં છે. રોજિંદી કામગીરીમાં વિશ્વમાં બ્રિટિશ બાળકોની સક્રિયતા સૌથી તળિયાના સ્થાને પહોંચી છે. જાણે કે રોજિંદી કામગીરી બ્રિટિશ બાળકોના જીવનમાંથી અદ્રશ્ય જ થઇ ચૂકી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટ અનુસાર રોજિંદીગ કામગીરીના માપદંડમાં ઇંગ્લેડ, વેલ્સ અને સ્કોટલેન્ડના બાળકો ઊણા ઉતર્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 44 દેશના બાળકોની રોજિંદી પ્રવૃત્તિઓ પર અભ્યાસ કરાયો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુકેના મધ્યમવર્ગીય પરિવારના બાળકો ગરીબ પરિવારના બાળકો કરતાં વધુ સારો ખોરાક લે છે અને કસરત કરે છે. ઇંગ્લેન્ડમાં 15 વર્ષ સુધીના બાળકોમાં ફક્ત 11 ટકા છોકરીઓ અને 16 ટકા છોકરા દિવસ દરમિયાન 60 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવાની ભલામણ પ્રમાણે કામ કરે છે. આ પ્રવૃત્તિઓમાં ચાલવું, સાયક ચલાવવી, રોલર બ્લેડિંગનો સમાવેશ થાય છે. બ્રિટિશ બાળકો શારીરિક પ્રવૃત્તિઓમાં રોમાનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા,સ્પેન, સ્વીડન, નોર્વે અને ક્રોએશિયાના બાળકો કરતાં પણ પાછળ છે.
ગ્લાસગો યુનિવર્સિટીના ડો. જો ઇન્ચલી કહેછે કે યુકેમાં બાળકો ઘણી ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. બાળકોમાંથી હૃદયને કસરત આપે તેવી પ્રવૃત્તિઓ અદ્રશ્ય થઇ રહી છે. અગાઉ બાળકો ઘરની બહાર ઘણો સમય પસાર કરતાં હતાં પરંતુ હવે તેઓ ઘરમાં જ ભરાઇ રહે છે. આ બાબત ઘણી ચિંતાજનક છે.