લંડનઃ બ્રિટિશ મહિલા ઈમર્જન્સી ગર્ભનિરોધ પિલ્સ માટે ૨૮ પાઉન્ડ ચુકવે છે, જ્યારે ફ્રાન્સમાં આ ખર્ચ માત્ર ૫.૪૦ પાઉન્ડ છે. આમ, બાકીના યુરોપની સરખામણીએ બ્રિટનમાં મોર્નિંગ આફ્ટર પિલ્સની કિંમત અનેક ગણી ચુકવવી પડે છે. યુરોપમાં આયર્લેન્ડ જ બીજો દેશ છે, જ્યાં મોર્નિંગ આફ્ટર પિલ્સની વધુ કિંમત ચુકવવી પડે છે.
યુએસ અને ફ્રાન્સમાં કોઈ પણ સલાહ કે સંકોચ વિના સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓ ખરીદી શકે છે, જ્યારે બ્રિટનમાં સ્ત્રીઓએ ફાર્મસીઝમાં તેમના જાતીય જીવન અંગે શરમજનક ખુલાસાઓ કરવા પડે છે. બ્રિટનમાં ઊંચી કિંમતોના લીધે સ્ત્રીઓ લાયસન્સ વિનાની ડ્રગ્સ ઓનલાઈન ખરીદવા જાય છે. યુએસમાં ઓનલાઈન વેચાણકારો માત્ર સાત પાઉન્ડમાં ગર્ભનિરોધક પિલ્સ ઓફર કરે છે. બ્રિટિશ સ્ત્રીઓએ દવા ખરીદતા પહેલા મેડિકલ અભિપ્રાય મેળવવો ન પડે તે માટે કાયદા અને નિયમોમાં બદલાવ માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે.