લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી સેંકડો વસ્તુઓ અમેરિકામાં વેચાઇ છે અને એફબીઆઇ અમેરિકામાં આ વસ્તુઓ કોણે ખરીદી તેની તપાસ કરી રહી છે. એફબીઆઇએ અત્યાર સુધીમાં 268 મૂલ્યવાન વસ્તુઓ જપ્ત કરીને બ્રિટિશ મ્યુઝિયમને પરત પણ કરી છે. આ વસ્તુઓ વોશિંગ્ટનના એક સંગ્રાહકને વેચવામાં આવી હતી.
બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી વસ્તુઓ ઇ-બેના માધ્યમથી અમેરિકામાં વેચાઇ હતી. બ્રિટિશ મ્યુઝિયમના જણાવ્યા અનુસાર અંદાજિત 1500 મહામૂલી વસ્તુઓ ચોરાઇ ગઇ હતી જેમાંથી 626 જેટલી વસ્તુઓ પરત મેળવી શકાઇ છે અને 100 વસ્તુઓ મળી આવી હોવા છતાં હજુ બ્રિટિશ મ્યુઝિયમ પાસે પહોંચી નથી.
બ્રિટિશ મ્યુઝિયમમાં ફરજ બજાવતા સીનિયર ક્યુરેટર પીટર હિગ્સ પર સંગ્રહિત વસ્તુઓની ચોરી કરવા, નુકસાન પહોંચાડવા સહિતના આરોપ મૂકાયા હતા. કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં બ્રિટિશ મ્યુઝિયમે દાવો કર્યો હતો કે પીટર હિગ્સ છેલ્લા એક દાયકાથી આ અપરાધિક પ્રવૃત્તિ કરતા હતા. એક અંદાજ પ્રમાણે ચોરી કરેલી વસ્તુઓ વેચીને હિગ્સે એક લાખ પાઉન્ડ પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા.