લંડનઃ યુકેમાં ભારતીય શીખ સમુદાયે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાનું જોરદાર સમર્થન કર્યું છે. સાઉથહોલમાં રહેતા હરપ્રીતસિંહ મુલતાનીએ જણાવ્યું હતું કે, ભારતે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. યુકેમાં બેસીને અમે ભારતમાં થઇ રહેલા વિકાસને જોઇ રહ્યાં છીએ. હું કોઇ રાજકીય પાર્ટીની તરફેણ કરતો નથી પરંતુ સકારાત્મક કામ થઇ રહ્યું છે તે સ્વીકારવું જ રહ્યું. ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાઇ રહી છે. લોકો મત આપવા જઇ રહ્યાં છે કારણ કે તેમણે વિકાસના ફળ ચાખ્યાં છે. સારું કામ કરનારા ઉમેદવારને લોકોએ મત આપવા જ જોઇએ.
લંડન સ્થિત સોલિસિટર બલજિન્દરસિંહ રાઠોર કહે છે કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા મુક્ત અને પારદર્શક હોવી જોઇએ. હું તેમ થતું જોઇ રહ્યો છું. ભારત ઝડપથી મહાસત્તા બની રહ્યો છે. મૂડીરોકાણકારોને હવે લાગી રહ્યું છે કે ચીન પછી તેમણે ભારતમાં રોકાણ કરવું જોઇએ. ભારતનો વિકાસ અમને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. અમારી સમૃદ્ધિ ભારતને ગૌરવ અપાવે છે.
સામાજિક કાર્યકર દર્શનસિંહ નેગી પંજાબમાં થયેલા આર્થિક વિકાસની પ્રશંસા કરતા કહે છે કે, પહેલાં પંજાબ જવું હોય તો ત્યાં ફક્ત એક જ એરપોર્ટ હતું પરંતુ હવે 6 એરપોર્ટ ઉપલબ્ધ છે. પંજાબના લોકો માટે આ મોટો લાભ છે કારણ કે તેઓ વિશ્વમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકે છે. ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાઇ રહી છે તે અદ્દભૂત છે. પારદર્શક ચૂંટણી યોજીને ભારત મહાન કાર્ય કરી રહ્યો છે.