લંડનઃ ભારતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે એનઆરઆઇ પણ ચૂંટણીના ગરમાટાથી અતડાં રહી શક્તાં નથી. સંખ્યાબંધ દેશોમાંથી બિનનિવાસી ભારતીયો ભારતમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યાં છે. બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 88 બેઠક પર મતદાન યોજાયું તેમાં મતાધિકારનો ઉપયોગ કરવા યુએઇથી પાંચ ચાર્ટર્ડ વોટ ફ્લાઇટ દ્વારા એનઆરઆઇ ભારત પહોંચ્યાં હતાં. 53 વર્ષીય અનવર નહા પણ તેમાંના એક છે. તેઓ કહે છે કે કેરળ મુસ્લિમ કલ્ચર સેન્ટર દ્વારા આ ફ્લાઇટની વ્યવસ્થા કરાઇ હતી. તે ઉપરાંત ઘણા એનઆરઆઇ નોર્મલ ફ્લાઇટમાં માસ બુકિંગ કરાવીને ભારત પહોંચી રહ્યાં છે.
કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં એનઆરઆઇ મતદાન કરવા પહોંચ્યા તો ઉત્તર ભારતમાં પણ ઘણા એનઆરઆઇએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેરળમાં તો અત્યાર સુધીમાં 12 ચાર્ટર્ડ વોટ ફ્લાઇટ પહોંચ્યાનું અનુમાન છે.