લંડનઃ યુકે દ્વારા હિન્દ મહાસાગરમાં સ્થિત ચાગોસ ટાપુઓ મોરિશિયસને સોંપી દેવાયાં છે. ચાગોસ હિન્દ મહાસાગરમાં 60 નાના ટાપુઓનો સમૂહ છે. આ માટે યુકે અને મોરિશિયસ વચ્ચે કરાર કરાયો છે. ટાપુ હસ્તાંતરણમાં ભારતે પણ મહત્વની ભુમિકા ભજવી હતી. યુકે અને મોરિશિયસ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કરાયો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ રાજકીય કરારમાં અમારા ગાઢ સાથી એવા અમેરિકા અને ભારતે સંપુર્ણ સમર્થન અને સહાય આપ્યાં છે.
નવી દિલ્હીએ યુકે અને મોરિશિયસને આ મામલામાં પરસ્પર લાભકારી પરિણામો માટે સતત પ્રોત્સાહન આપ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, નવી દિલ્હી સંસ્થાનવાદના છેલ્લા અંશોમાંથી મુક્તિ માટેના મોરિશિયસના વલણને અમે સંપુર્ણ સમર્થન આપીએ છીએ તો સાથે સાથે બંને પક્ષને પરસ્પર લાભકારી પરિણામ હાંસલ કરવા ખુલ્લા મને વિચારણા કરવાની પણ અપીલ કરીએ છીએ.
ભારત હિન્દ મહાસાગરમાં ચીનના વધી રહેલા પ્રભાવ સામે લડવા મેરીટાઇમ સિક્યુરિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. મોરિશિયસ હિન્દ મહાસાગરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને આ સ્થળ એટલાન્ટિક મહાસાગરનું પ્રવેશદ્વાર પણ મનાય છે.
ભારત ખાતેના યુકેના હાઇ કમિશ્નર લિન્ડી કેમરોને જણાવ્યું હતું કે, યુકે અને મોરિશિયસ વચ્ચેનો કરાર આવકાર્ય છે. આ કરારને પગલે હિન્દ મહાસાગરમાં યુકે અને ભારત વચ્ચેના સહકારમાં વધારો થશે, વૈશ્વિક સુરક્ષા મજબૂત બનશે અને ઇન્ડો-પેસિફિકમાં શાંતિ અને સમૃદ્ધિ સામેના પડકારો દૂર કરી શકાશે.
યુકે – મોરિશિયસ કરારને ભારત સરકારનો આવકાર
યુકે અને મોરિશિયસ વચ્ચેના ચાગોસ કરારને ભારતે આવકાર્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, યુકે દ્વારા મોરિશિયસને ચાગોસ ટાપુઓ પરત કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ કરારને પગલે મોરિશિયસમાંથી સંસ્થાનવાદનો સંપુર્ણપણે અંત આવ્યો છે. આ કરારને પગલે હિંદ મહાસાગરમાં લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે.